ખેડૂતનું દુખ વહેંચવા પંજાબના સીએમ ચન્ની લખીમપુર જશે
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની મુલાકાતે જઈ રહ્યાં છે. તેમણે આ માટે યુપી સરકાર પાસેથી પરવાનગી માંગી છે. સીએમ ચન્નીએ કહ્યું છે કે હું આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત ખેડૂતોના પરિવારોને સંવેદના વ્યક્ત કરવા માટે લખીમપુર ખીરી જઈ રહ્યો છું. મેં યુપી સરકાર પાસેથી હેલિકોપ્ટર લેન્ડ કરવાની પરવાનગી પણ માંગી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર દ્વારા કથિત રીતે મોતને ઘાટ ઉતારવામાં આવેલા મૃતક ખેડૂતોના પરિવારોને મળવા માટે ચન્ની લખીમપુર ખીરી જવા માંગે છે.
પંજાબ સરકારના નાગરિક ઉડ્ડયન નિયામકે યુપીના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને ચન્નીની મુલાકાત અંગે પત્ર લખ્યો છે. નાગરિક ઉડ્ડયન નિયામક પંજાબે યુપીના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, લખીમપુર ખીરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો સાથેની ઘટનાથી તમે વાકેફ હશો.
આ દુખની ઘડીમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ખેડૂતોના પરિવારોનું દુખ વહેંચવા માટે લખીમપુર ખેરીની મુલાકાત લેવા માંગે છે. આ સ્થિતિમાં તમને વિનંતી કરવામાં આવે છે કે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને લેન્ડિંગની મંજૂરી આપો અને તેમની મુલાકાત માટે જરૂરી વ્યવસ્થા કરો. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને પંજાબના ડેપ્યુટી સીએમ સુખજિંદર રંધાવાને યુપી સરકારે લખનૌ આવતા રોક્યા હતા.
યુપી સરકારે અમૌસી એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખીને કહ્યું છે કે આ નેતાઓને એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી આપવામાં ન આવે. આ સિવાય પણ અન્ય ઘણા નેતાઓને પણ રોકવામાં આવ્યા છે. લખીમપુર ખીરીમાં વહીવટીતંત્રે જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.
જિલ્લાની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે, હાઇવે અને તિકુનિયા તરફ જતા રસ્તાઓ પર પોલીસ પીએસી લગાવીને અવરોધો ઉભા કરવામાં આવ્યા છે. લખીમપુર ખીરી જતા ઘણા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર વગેરેનો સમાવેશ થાય છે.HS