ખેડૂતોનું કૌભાંડ:ચણાનાં વાવેતર વિના ટેકાનાં નાણાં માટે તલાટી સાથે મળી ખોટા દાખલા કાઢ્યા
હારીજના ૧૮૯ ખેડૂતોને ૫ વર્ષ સુધી યોજનાઓનો લાભ લેવા પર પ્રતિબંધ
૧૦ તલાટી કમ મંત્રી સામે વહીવટી પગલાં લેવાશે: સહકારી મંડળીઓ સામે બે વર્ષ માટે કૃષિ વિભાગનો પ્રતિબંધ
ગાંધીનગર, ચણાના વાવેતર વગર જ ટેકાના ભાવે ખોટી નોંધણી કરાવી વેચાણ કરી સરકારી નાણાં અને યોજનાનો ગેરલાભ લઈ છેતરપિંડીનો પ્રયાસ કરનારા ૧૮૯ ખેડૂતો ઉપર પાંચ વર્ષ સુધી કૃષિ વિભાગની તમામ યોજનાઓના લાભ લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવો અભૂતપૂર્વ નિર્ણય સરકારે કર્યાે છે.
પાટણના હારીજ તાલુકામાં ૧૧ ગામના ૧૮૯ ખેડૂતો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, વાવેતર અંગે ખોટા દાખલા આપનારા તલાટી કમ મંત્રી અને ખરીદ કેન્દ્ર ચલાવતી સહકારી મંડળીઓ સામે પણ પ્રતિબંધાત્મક પગલા લેવાનો નિર્ણય કરાયો છે.
સરકાર દ્વારા ઉદાર રીતે પાકની ટેકાના ભાવે કરાતી ખરીદીનો લેભાગુ તત્વો કેવી રીતે ફાયદો ઉઠાવે છે તેનું કૌભાંડ બહાર આવ્યું છે. હારીજ તાલુકાના સાંકરા, માલસુદ, વાંસા, વાગોસણ, જમણપુર, તાંદરવાડા, ભલામા, અડિયા, અરીઠા, દુનાવાડા અને કુંભાણાના ૧૮૯ જેટલા ખેડૂતોને પાંચ વર્ષ માટે કૃષિની યોજનાઓનો લાભ નહીં આપવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.
વાવેતર કર્યુ હોવાના ખોટા દાખલા આપ્યા છે તેવા ૧૦ તલાટી કમ મંત્રી સામે વહીવટી પગલા લેવાશે. તે સાથે ગુજકોમાસોલ દ્વારા ખરીદી માટે નિયુક્ત કરાયેલી સહકારી મંડળીઓ સામે બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવાના પગલા લેવાનો નિર્ણય પણ કરાયો હોવાનું કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે.
વર્ષ ૨૦૨૧-૨૨માં પીએસએસ હેઠળ ચણાની ટેકાના ભાવે થયેલી ખરીદીમાંઆ ગરેરીતિ બહાર આવી છે. અરજદારોની ફરિયાદ મુજબ જે ગામમાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર કરાયું ન હોવા છતાં તે ગામના ખેડૂતોની નોંધણી થઈ હતી. APMC હારીજ કેન્દ્ર ખાતેથી આવા ખેડૂતો પાસેથી ચણાનો જથ્થો ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ કરીને લીધો હોવાનું દર્શાવતા મોનિટરીંગ કમિટી અને જિલ્લા કલેક્ટરને જાણકારી અપાઈ હતી.
જેની ૪ ટીમ બનાવીને તપાસ કરતાં કુલ ૪૨૦ ખેડૂતોની ચકાસણી કરાતા ૧૮૯ ખેડૂતોની મોટી નોંધણી થઈ હોવાનું જણાવાયું હતું. તે પૈકી ૧૨૮ ખેડૂતોએ વેચાણ કર્યુ છે અને તેમને ૧૮૯ ખોટા દાખલા પણ આપવામાં આવ્યા હતા.
૧૨૮ ખેડૂતોને ખોટી નોંધણી અને વેચાણ બદલ ખેડૂતોને ખરીદીનું પેમેન્ટ અપાશે નહીં. બાકી ખરીદીના ૬૧ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં પણ નહીં આવે તેવો નિર્ણય કૃષિવિભાગે લીધો છે.