ખેડૂતોના ટેકામાં અન્ના હજારે ઉપવાસ પર ઊતર્યા
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઘડેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં પાટનગર નવી દિલ્હીમાં દેખાવો કરી રહેલા અને આજે ભારત બંધ જાહેર કરનારા ખેડૂતોના ટેકામાં સામાજિક કાર્યકર અન્ના હજારે આજે એક દિવસના ઉપવાસ પર ઊતર્યા હતા.
હજારેએ મિડિયાને કહ્યું હતું કે આંદોલનો થતાં રહેવા જોઇએ જેથી સરકાર પર એક પ્રકારનું દબાણ થતું રહે અને ખેડૂતોના તથા લોકોના કામ થતાં રહે. એક પ્રિરેકોર્ડેડ સંદેશામાં હજારેએ ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે હું દેશના લોકોને હાકલ કરુ છું કે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે એને આખા દેશમાં ફેલાવી દેજો. સરકાર પર દબાણ વધારવા ખેડૂતોએ સડકો પર ઊતરી આવવું જોઇએ. લોકોએ ખેડૂતોને સાથ આપવો જોઇએ.
હજારે પોતાના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં ઉપવાસ પર બેઠા હતા. તેમણે કહ્યું કે આંદોલન કરવાનો આ જ યોગ્ય સમય છે.