ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય તો આ સરકાર ફરી સત્તા પર નહીં આવે: મેઘાલય ગર્વનર

રાજસ્થાન, મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યુ છે કે, જો ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આ સરકાર ફરી સત્તામાં પાછી નહીં ફરે.
સરકારના નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનની મુલાકાતે આવેલા સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે, સરકારે દેખાવો કરી રહેલા ખેડૂતોની માંગણીઓ પૂરી કરવી જોઈએ. નવા કાયદાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે તેના કારણે ભાજપના નેતાઓ યુપીના કેટલાક ગામડાઓમાં પ્રવેશ પણ ના કરી શકે તેવી સ્થિતિ છે.
તેમણે મીડિયાને કહ્યુ હતુ કે, હું પોતે મેરઠથી છું અને મારા વિસ્તારમાં ભાજપના કોઈ નેતા કોઈ ગામમાં એન્ટ્રી મારી શકે તેમ નથી. મેરઠ, મુઝ્ઝફરનગર, બાગપત એમ ક્યાં પણ લોકો તેમને આવવા નહીં દે.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, હું ખેડૂતો સાથે જ છું પણ હાલમાં મને ગર્વનરપદ છોડવાની જરૂર લાગતી નથી. જરૂર પડે ત્યારે હું આ પદ પરથી રાજીનામુ આપી દઈશ. મેં ખેડૂતો માટે પીએમ, ગૃહ મંત્રી તમામ સાથે ઝઘડો કર્યો છે અને તેમને કહ્યુ છે કે તમે ખોટુ કરી રહ્યા છો. સરકાર જો એમએસપી માટે ગેરંટી આપશે તો આ આંદોલનનુ સમાધન થઈ શકશે.
મલિકે હતુ કે, હું વડાપ્રધાનને જાહેરમાં તો આ મુદ્દે કોઈ સંદેશ નહીં આપુ પણ વ્યક્તિગત રીતે સલાહ આપીશ. ખાસ કરીને તેઓ સિખો અંગે જાણતા નથી. તેમને હેરાન કરવા જોઈએ નહીં. જો સરકાર એમએસપીની ગેરંટી આપશે તો હું ખેડૂતોને સમજાવીશ કે આંદોલનની હવે કોઈ જરૂર નથી. તેમને તેમની ઉપજનુ લઘુત્તમ મુલ્ય તો મળવુ જ જોઈએ, નહીંતર ખેડૂતો બરબાદ થઈ જશે.