Western Times News

Gujarati News

ખેડૂતોનું દિલ્હી ચલો આંદોલન વધુ ઉગ્ર બન્યું: બેરિકેડ ફેંકાયા

હરિયાણા બોર્ડર પર સ્થિતિ તંગ: દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની

૩ બટાલિયન તૈનાત

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ-હરિયાણાના ખેડૂતોએ ૨૬ખી ૨૮ નવેમ્બર સુધી દિલ્હી માર્ચની શરૂઆત કરી છે. ગુરુવારે સવારે હરિયાણાની સીમા પર ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. જ્યાં ખેડૂતોએ બેરિકેડિંગ ઉખાડી ફેંક્યા હતા. જે બાદ ખેડૂતો પર વોટર કેનન અને ટિરયરગેસનો ઉપયોગ કરીને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના ત્રણ કાયદા ખેડૂત વિરોધી છે. આ કાયદા પરત ખેંચવાને બદલે ખેડૂતોને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાથી રોકવામાં આવી રહ્યાં છે. તેમની પર વોટર કેનનનો ઉપયોગ થઇ રહ્યો છે. ખેડૂતો પર આ અત્યારચાર બિલકુલ ખોટું છે. શાંતિપૂર્વક પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના આંદોલન પર ટ્‌વીટ કરતાં લખ્યું કે, ખેડૂતોથી સમર્થન મૂલ્ય છીનવી લેનારા કાયદાના વિરોધમાં ખેડૂતોની વાત સાંભળવાને બદલે ભાજપ સરકાર તેમની પર ઠંડીમાં પણ પાણીનો મારો ચલાવી રહી છે. ખેડૂતોથી બધું છીનવી લેવામાં આવી રહ્યું છે અને મૂડીવાદીઓને થાળી પીરસીને બેંક, લોનમાફી, એરપોર્ટ, રેલવે સ્ટેશનો વહેંચવામાં આવી રહી છે. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત સીઆરપીએફની ૩ બટાલિયન તહેનાત કરવામાં આવી છે.

હોમગાર્ડના જવાનો પણ તહેનાત છે. સીનિયર ઓફિસર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરમાં મેટ્રો બપોરે ૨ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના કિસાન કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. આ માટે દિલ્હીની સરહદોને સીલ કરી દેવાઈ છે.

કિસાન આંદોલનના કારણે દિલ્હીમાં મેટ્રો સેવા ઉપર પણ આંશિક અસર પડી છે. પાડોશી રાજ્યોથી આવનારા મેટ્રો રૂટ પર બપોરે ૨ વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન દિલ્હીના ૧૨ મેટ્રો સ્ટેશનથી લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. પંજાબ-હરિયાણાથી આવતા હજારો ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે સરહદ પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે. આ બધા વચ્ચે દિલ્હી તરફ માર્ચ કરી રહેલા આંદોલનકારી ખેડૂતો પર પોલીસે વોટર કેનનનો મારો કર્યો અને ભીડને તોડવાની કોશિશ કરવામાં આવી. દિલ્હી ચલોના નારા સાથે ખેડૂતોની માર્ચ જ્યારે બુધવારે કુરુક્ષેત્ર પહોંચી તો ખેડૂતોને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

ખેડૂતોના આંદોલન અને તેમને રોકવાને લઈને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે કહ્યું કે સામાન્ય જનતાને તકલીફ ન થાય તે માટે સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે. રેલવેએ અમૃતસરથી આવનારી રેલગાડીઓ કાં તો રદ કરી નાખી અથવા તો રૂટમાં ફેરફાર કર્યો છે. અમૃતસરથી આવનારી ૧૨ ટ્રેનોને રદ કરાઈ છે. જ્યારે અમૃતસરના રૂટ પર દોડતી ૯ ટ્રેનોના સમય અને સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતોના આંદોલનની અવધિ દરમિયાન પાડોશી શહેરોથી દિલ્હીની અંદર કોઈ મેટ્રો એન્ટ્રી નહીં કરે કે બહાર નહીં જાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.