ખેડૂતોનું ‘ભારત બંધ’નું એલાનને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે

Files Photo
અમદાવાદ, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે દિલ્હીની સરહદો પર છેલ્લા 12 દિવસથી પ્રદર્શન કરી રહેલા કિસાનોએ 8મી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. જેને દેશના 22 રાજકીય પક્ષોનો ટેકો મળ્યો છે.
ગુજરાતના પણ ઘણ સંગઠનોએ આ અંદોલનને ટેકો આપ્યો છે. જેના પગલે આવતીકાલે ઘણા એપીએમસી બંધ રહેશે. જોકે ભાજપ સમર્થિત એપીએમસી ચાલું રહેશે.
ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ તૈયાર કરી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓને આવતીકાલે દરેક જિલ્લામાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. કોંગ્રેસે ખેડુતોના બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારનું એપીએમસી બંધ કરાવવા સૂચના આપી છે.
આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરો ઘર્ષણમાં ન ઉતરે. અમિત ચાવડાએ કોઈ સાથે સંઘર્ષ ન કરવાની કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમણે નેતાઓને કહ્યું કે, ખેડૂતો અને વેપારીઓને સમજાવીને બંધમાં સહકાર માગવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસ નેતાઓને ખેડૂતોને સાથે રાખી બંધ કરાવવા જવાનું પણ કહ્યું છે.
ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આવતીકાલે બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. યાર્ડના દલાલ મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જામનગરનું હાપા માર્કેટ યાર્ડ કાલે ચાલું રહશે.