ખેડૂતોને ડાંગર વેચવા માટે બોલાવ્યા; પરંતુ અધિકારીઓ જ હાજર ન રહ્યા

મેસેજ કરીને તંત્રએ બોલાવતા ખેડૂતોને ધરમનો ધક્કો
લખતર, લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જણસ વહેચવા માટે તંત્રએ ખેડૂતોને આવવા માટે મેસેજ કર્યા બાદ તંત્રના અધિકારીઓ જ ઉપસ્થિત ન રહેતા હાજર રહેલા ખેડૂતોમાં રોષની લાગણી જાેવા મળી હતી.
તો તેઓએ આ અંગે એપીએમસી ચેરમેનને જણાવતા ચેરમેને મધ્યસ્થી કરી સોમવારે ખરીદીની હૈયાધારણા આપતા આ મામલો શાંત પડ્યો હતો.
લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં તા.૧૩.૧૧.ર૧ને શનિવારે સવારે ડાંગર વહેંચવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવવા અંગેના મેસેજ રજીસ્ટ્રેશન થયેલ અમુક ખેડૂતોને આવ્યા હતા તેથી ખેડૂતો લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા પરંતુ તે સમયે તંત્રના અધિકારીઓ હાજર ન હતા.
તો ડાંગર વહેંચવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે આવેલા ખેડૂતોએ આ અંગે લખતર એપીએમસીના ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાને રજૂઆત કરી હતી તેથી એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહે અધિકરીઓ સાથે વાત કરી મધ્યસ્થી કરતા અને અધિકારીઓએ સોમવારથી ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવે તેવી બાંહેધરી આપતા ખેડૂતોનો સમગ્ર મામલો થાળે પડ્યો હતો.