ખેડૂતોને દિવસે પણ વિજળી મળે તે માટે આયોજન થયુ
અમદાવાદ: રાત્રી દરમિયાન પિયત માટે વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સિંહ, દિપડા, રોઝ તથા જંગલી ભૂંડના કારણે ખેડૂતોને રહેતા જાનનાં જોખમને લીધે ખેડૂતોને દિવસે વીજળી આપવા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પાડવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે અમારી સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા વીજ જોડાણ, સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પુરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આ બજેટમાં નવી યોજના ‘દિનકર યોજના’ જાહેર કરવામાં આવી છે. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્રઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે રૂ.૩૫૦૦ કરોડનું આયોજન છે. તે માટે આ બજેટમાં રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
એટલું જ નહી અમારી સરકારે કરેલા નવા સોલાર પ્રોજેક્ટથી અમે ૧૦ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરવા જઇ રહ્યા છીએ જે વીજળીની સમસ્યાને મોટા પ્રમાણમાં પુરી કરવામાં મદદરૂપ થશે. રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખાસ અંગભૂત યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૩૯ તેમજ સાબરકાંઠા જિલ્લામાં ૧૧૩૮ ઘર વપરાશના વિજ જાડાણ આપવામાં આવ્યા છે જે માટે બંને જિલ્લામાં કુલ ૮૬ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે એમ વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું.