ખેડૂતોને રાહત: કૃષિ ધિરાણ પર પાક વીમો લેવો ફરજિયાત નહીં
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. હવે કૃષિ ધિરાણ પર પાક વીમો લેવો ફરજિયાત નહીં. આ સિવાય નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે. કેબિનેટે વ્યાજ સહાયતા યોજનામાં લાભને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને ફાયદો થશે. કેબિનેટની બેઠક પુરી થયા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કુલ 13,000 કરોડ રુપિયાનો વીમો થયો હતો. જેમાંથી 7 હજાર કરોડ રુપિયા ક્લેમના રુપમાં આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે હિતૈષી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા છે. મંત્રીમંડળે પાક વીમા યોજનામાં સંશોધનને મંજૂરી આપી છે. જેથી ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રીમિયમનું 50-50 ટકા યોગદાન આપે છે. જોકે નોર્થ-ઇસ્ટના ખેડૂતો માટે સરકારે મોટું પગલું ભર્યું છે. અહીં પાક વીમા પ્રીમિયરમાં 90 ટકા યોગદાન કેન્દ્ર અને 10 ટકા રાજ્યનું રહેશે. આ સિવાય 3 ટકા યોજનાની રકમ પ્રાશસનિક વ્યવસ્થા પર રહેશે. સરકારે ડેરી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે 4558 કરોડ રુપિયાની યોજનાને મંજૂરી આપી છે. જેનાથી લગભગ 95 લાખ ખેડૂતોને ફાયદો થશે. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે મંત્રીમંડળે વ્યાજ સહાયતા યોજનામાં લાભને 2 ટકા વધારીને 2.5 ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.