ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી ઉપર સરકાર સહાય આપશે
અમદાવાદ, ગુજરાતમાં ખેડૂતોની આવકમાં વધારો થાય એ માટે સરકાર દ્વારા વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે ખેડૂતોને સરકારી યોજનાઓની માહિતી અને કૃષિ લગતી વિગતો ફોન પર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાય યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટ ફોનની કિંમતનાં ૧૦ ટકા અથવા રૂા.૧૫૦૦ સુધીની સહાય સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે.
સ્માર્ટ ફોનથી ખેડૂતો હવામાન વિભાગની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી, જીવાત નિયંત્રણની માહિતી, કૃષિ વિષયક પ્રકાશનો, કૃષિ તકનીક વિશેની માહિતી, સરકારી યોજનાની માહિતી મેળવી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જીએસટી નંબરવાળો સ્માર્ટફોનનો બિલ, મોબાઈલ આઈએમઆઈ નંબર, ૮ (અ)ની નકલ, કેન્સલ ચેક અને આધાર કાર્ડ રજૂ કરવાનો રહેશે.