ખેડૂતો પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે
અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે રાજ્ય સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા ૩૦ એપ્રિલ 2022 સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયુ
અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલું નાણાકીય વર્ષ 2022-2023 માટે બાગાયત ખાતા દ્વારા ચાલી રહેલી વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
રાજ્ય સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ ફળ, ફ્રુટ, શાકભાજી અને મસાલા પાકોના વાવેતર, હાઇબ્રીડ બિયારણ ખરીદવા, બાગાયતી યાંત્રિકરણ, બાગાયતી પાક સંરક્ષણ સાધનો, રક્ષિત ખેતી, કાપણી પછીનું વ્યવ્સ્થાપન,
બજાર વ્યવસ્થાપન, ટીસ્યુકલ્ચર લેબની સ્થાપના, નર્સરી બાંધકામ જેવા વિવિધ ઘટકોમા સહાયનો લાભ લેવા માંગતા હોય તેવા બાગાયતદાર ખેડૂતો માટે તારીખ ૦૧ જાન્યુઆરી 2022 થી ૩૦ એપ્રિલ 2022 સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે.
ખેડૂતોએ અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ અને તેની સાથે જરૂરી સંબધિત કાગળો (8-અ, 7-12ની નકલ, આધારકાર્ડ, ખેડૂત નોંધણી પત્રક, બેંક પાસબુકની નકલ – બેંક ખાતાની વિગત) સહિત 7 દિવસમાં વસ્ત્રાપુર ખાતે આવેલા બહુમાળી ભવનના બ્લોક-સીના પ્રથમ માળે નાયબ બગાયત નિયમાકશ્રીની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે એમ બગાયત વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.