ખેડૂતો રસ્તા પર ટામેટાં નાંખવા મજબુર : અરવલ્લીમાં ૪૦૦ હેક્ટરમાં ટામેટાંની ખેતી કરનાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા બેહાલ

અરવલ્લી જીલ્લામાં ખેડૂતો પરંપરાગત ધાન્ય,તેલીબિયાં અને કઠોળની ખેતી સાથે હવે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે ત્યારે જીલ્લામાં ૪૦૦ થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કર્યા બાદ ખેડૂતોને ટામેટાના પાકમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો પરેશાન બન્યા છે મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા રાખી બેઠેલા ખેડૂતોને બજારમાં ભાવ નહિ મળતા ટામેટા રસ્તા ઉપર ફેંકી દેવા મજબુર બન્યા છે .
અરવલ્લી જિલ્લાના કે જ્યા ખેડૂતોને મહામહેનતે પકવેલો ટામેટાનો પાક પોષણક્ષમ ભાવ નહિ મળવાને પગલે રસ્તા ઉપર નાખી દેવા મજબુર બનવું પડ્યું છે.જિલ્લામાં ખેડૂતોએ 400 હેક્ટર જમીનમાં ટામેટાના પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ હાલ પાક તૈયાર થઇ ગયો છે તેવામાં ટામેટાના પાકના પોષણ ક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બજારમાં ખેડૂતોને પ્રતિ કિલો પાછળ માત્ર 4 થી 5 રૂપિયાનો ભાવ મળતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતોને નુકશાન જતા ના છૂટકે ખેડૂતોને પોતાનો પાક રસ્તા ઉપર નાખી દેવા મજબુર બનવું પડી રહ્યું છે.
મોડાસા તાલુકાના દોલપુર કંપાના ખેડૂતોએ કંપાની 10 વીઘા જમીનમાં મોટા પ્રમાણમાં ટામેટાના પાકનું વાવેતર કર્યું છે ખેડૂતને એક વીઘા પાછળ 18 થી 20 હજાર ખર્ચ થયો છે બીજી તરફ ઉત્પાદન પણ મબલખ થયું છે
જેની સામે હાલ બજારમાં ભાવ માત્ર 20 કિલોના 80 થી 100 રૂપિયા મળી રહયા છે જેથી ખેડૂતોને ટામેટાના પાકમાં મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો પાસેથી 4 થી 5 રૂપિયે કિલો ખરીદાતા આ ટામેટા છૂટક બજારમાં 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહયા છે ત્યારે મહેનત કરી પાક પકવતા ખેડૂતો દેવાદાર જ્યારે બજારના વેપારીઓ માલામાલ બને તેવી સ્થિતિ ઉભી થઇ છે
શાકભાજીના હોલસેલ વેપારી યુસુફભાઇના જણાવ્યા અનુસાર
શાકભાજીનો હોલસેલ વેપાર કરતા યુસુફભાઇએ જણાવ્યું હતું કે ટામેટાનું મબલખ ઉત્પાદનને કારણે ભાવ ઘટાડો થવાની સાથે ટામેટાની માંગ ઘટી હોવાના કારણે ભાવ મળી શકતા નથી.જેના કારણે ખેડૂતને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે