ખેડૂતો સિંઘુ બોર્ડરથી પંજાબ જવા રવાના: ટ્રકની હડફેટે બે ખેડૂતનાં મોત
નવી દિલ્હી, દિલ્હી અને હરિયાણાની વચ્ચે સિંઘુ -ટીકરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો હવે ઘરે પરત જઈ રહ્યા છે. આજે 11 ડિસેમ્બરે ખેડૂતો જીત સાથે રાજા-મહારાજની જેમ ઘરે પરત ફરી રહ્યા છે. પંજાબના રાજા લડાઈ જીત્યા બાદ જે રીતે પરત ફરતા હતા એવાં જ દૃશ્યો નજરે પડી રહ્યાં છે. ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં 26 નવેમ્બર 2020, એટલે કે આજથી 380 દિવસ પહેલાં ખેડૂતોએ આંદોલનનો હુંકાર કર્યો હતો.
ટીકરી બોર્ડરથી આંદોલન સમેટી ઘરે પરત ફરતા સમયે પંજાબના 2 ખેડૂતનાં અકસ્માતમાં મોત થયાં છે. હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે-9 (NH-9) પર શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ખેડૂતોની ટ્રોલીને ટ્રકે અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં પંજાબના મુક્તસર સાહિબ નિવાસી ખેડૂત સુખવિંદર અને અજયપ્રીતનાં મૃત્યુ થયાં છે, જ્યારે 5 ખેડૂત ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ને હોસ્પિટલ ખેસેડાયા છે.
સંયુક્ત કિસાન મોરચા (SKM)એ ગુરુવારે આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં CDS રાવત અને અન્ય સેનાના અધિકારીઓનાં મૃત્યુને કારણે ખેડૂતોએ શુક્રવારે જીતની ઉજવણી કરી નહોતી, પરંતુ આજે 11 ડિસેમ્બરે બોર્ડર પરથી ઘરે જતાં પહેલા કિસાન ‘વિજય દિવસ’ મનાવી રહ્યા છે.
ઘરે પાછા જતાં પહેલાં બોર્ડર પર જ ખેડૂતો દ્વારા ‘વિજયરેલી’ યોજી હતી. ખેડૂતો આજે જીતની ખુશીમાં ‘વિજયરેલી’ પછી તેઓ ઘરે પરત ફરી રહ્યા છે.
બાંધેલી ગાંસડીઓ, સંકેલી લેવામાં આવેલી તાડપત્રી, કાઢી નાખવામાં આવેલા વાંસ અને રસ્તાની સાઈડમાં એક ઉપર એક ખુરશીઓનો ઢગલો, તેમના સ્પીકરમાં વાગતાં પંજાબી ગીતો સાથે સિંઘુ બોર્ડરનું દૃશ્ય કોઈ સમાપ્ત થયેલા મેળા જેવું લાગતું હતું.
સરકારના આશ્વાસન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન સમાપ્તની જાહેરાત બાદ દિલ્હીની બોર્ડર પરથી ખેડૂતો ઘરે પાછા જઈ રહ્યા છે. બાકી રહેલા ખેડૂતો આજે જીતની ઉજવણી કરતાં વિજયરેલી બાદમાં પોત-પોતાનાં ઘરે પરત ફરી રહ્યા છે.