ખેડૂત આંદોલનઃ કેનેડાના હાઈ કમિશનરને બોલાવી ભારતના વિદેશ મંત્રાલયે આપી ચીમકી
નવી દિલ્હી, ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં કુદી પડનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આપેલા નિવેદન બાદ ભારત સરકાર રોષે ભરાઈ છે.
ભારતના વિદેશ મંત્રાલયે આજે કેનેડાના હાઈ કમિશનરને બોલાવ્યા હતા અને ચીમકી આપી હતી કે, ભારતના આંતરિક મામલાઓમાં કેનેડાના નેતાઓની ટિપ્પણીને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહી આવે.જો આ પ્રકારની હરકત કેનેડાના નેતાઓએ ચાલુ રાખી તો બંને દેશના સબંધો પર બહુ ગંભીર અસર પડી શકે છે.ખેડૂતોના મુદ્દા પર કેનેડાના નેતાઓએ કરેલી ટિપ્પણી બાદ કેનેડામાં ભારતની એમ્બેસી સામે ભીડ એકઠી કરનારા તત્વોને પ્રોત્સાહન મળ્યુ છે અને તેનાથી અમારા સ્ટાફની સુરક્ષાનો મુદ્દો ઉભો થયો છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ખેડૂતોનુ સમર્થન કરતા કહ્યુ હતુ કે, કેનેડા શાંતિપૂર્વક રીતે થતા પ્રદર્શન માટેના અધિકારીની હંમેશા તરફેણ કરે છે.ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને અમે પરિવાર તથા દોસ્તોને લઈને પરેશાન છે.
ટ્રુડોએ કેનેડામાં રહેતા પંજાબીઓની સહાનૂભૂતિ મેળવવા માટે ચંચૂપાત કર્યો હતો તે સ્પષ્ટ છે.સાથે સાથે કેનેડાના સંરક્ષણ મંત્રીએ પણ સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે, શાંતિપૂર્ણ રીતે થતા દેખાવો પર અત્યાચાર ચિંતાજનક કહી શકાય તેવી બાબત છે.લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધને મંજૂરી હોય છે અને હું આ અધિકારની તરફેણમાં છું.