ખેડૂત આંદોલનના પગલે હરિયાણા સરકાર પર સંકટ
નવી દિલ્હી, ખેડૂત આંદોલનના પગલે હરિયાણામાં ભાજપની સરકાર સામે સંકટ સર્જાયુ છે. કારણકે હરિયાણામાં ભાજપના સહયોગી અને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર દુષ્યંત ચૌટાલાએ રાજીનામુ આપવાની ધમકી આપી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સખ્યામાં સામેલ થયા છે. તેવામાં ચૌટાલા પર દબાણ વધી રહ્યુ છે. કારણકે કૃષિ કાયદા લાવનાર કેન્દ્રની ભાજપ સરકાર સામે આ રાજ્યોના ખેડૂતોમાં રોષ છે અને ચૌટાલાની પાર્ટીના સાથથી ભાજપે હરિયાણામાં સરકાર બનાવી છે.
એક વર્ષથી ચાલતી આ સરકાર ખેડૂત આંદોલનના કારણે સંકટમાં આવી છે. જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યુ છે કે, જો ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ મળવી જ જોઈએ. કેન્દ્ર સરકારે ખેડૂતોને જે ખાતરી આપી છે તેમાં એમએસપી સામેલ છે. હું ડેપ્યુટી સીએમ છું ત્યાં સુધી એમએસપી મળે તે માટે કાર્યરત રહીશ. જો ખેડૂતોને હું એમએસપી નહીં અપાવી શકુ તો રાજીનામુ આપી દઈશ.
આમ ચૌટાલાએ આડકતરી રીતે સ્પષ્ટ કરી દીધુ છે કે, નવા કાયદા હેઠળ જો ખેડૂતોને એમએસપી નહીં મળે તો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવામાં આવશે. બીજી તરફ પાર્ટીની અંદર પણ ખેડૂત આંદોલનને લઈને ભાજપ સાથે છેડો ફાડી નાંખવો જોઈએ તેવા સૂર વ્યક્ત થઈ રહ્યો છે.દુષ્યંત ચૌટાલાની પાર્ટી પાસે 10 ધારાસભ્યો જ છે પણ સરકાર બનાવી રાખવા કે ઉથલાવવા માટે આ સંખ્યા પૂરતી છે.