ખેડૂત આંદોલન: આ રાષ્ટ્રીય મુદ્દો બની જશે, તમામ પક્ષોને સામેલ કરીને કમિટી બનાવો- SC
નવી દિલ્હી, મોદી સરકારના નવા કૃષિ કાયદાઓને પરત લેવા દબાણ ઊભું કરવા માટે દિલ્હીના બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 21મો દિવસ છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ રહેશે કે નહીં તેની પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેન્ચે આ મામલા પર કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલા પર એક કમિટીની રચના કરવામાં અવશે, જે આ મુદ્દાને ઉકેલશે કારણ કે રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી ઉકેલવો જરૂરી છે. હવે આ કેસની આગામી સુનાવણી કાલે થશે. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે, શું તમે ઈચ્છો છો કે બોર્ડર ખોલી દેવામાં આવે. તેની પર વકીલે કહ્યું કે કોર્ટે શાહીન બાગ કેસ સમયે કહ્યું હતું કે રસ્તાઓ જામ ન થવા જોઈએ. વારંવાર શાહીન બાગનો હવાલો અપાતાં ચીફ જસ્ટિસે વકીલને ટોક્યા. તેઓએ કહ્યું કે ત્યાં કેટલા લોકોએ રસ્તો રોક્યો હતો? કાયદો અને વ્યવસ્થાના મામલામાં દાખલા ન આપી શકાય. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું ખેડૂત સંગઠનોને કેસમાં પાર્ટી બનાવવામાં આવી છે.