ખેડૂત આંદોલન પર ગુસ્સે ભરાયેલી કંગના રનૌત
મુંબઈ: પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડની તસ્વીરો ંમીડિયામાં ચાલી હતી. આંદોલન દરમિયાન આંદોલનકારીઓ દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને ત્યાં ભારે હોબાળો મચ્યો હતો. બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે પ્રજાસત્તાક દિન પર ખેડૂત આંદોલન દરમિયાન થયેલી આ હિંસા અને તોડફોડ અંગે જાેરદાર પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે પ્રજાસત્તાક દિન પર આવી ઘટના બનવી દેશ માટે શરમજનક છે. તોડફોડ કરનારાઓને ખાલિસ્તાની આતંકવાદી ગણાવતા કંગનાએ સરકાર પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કંગનાએ કહ્યું કે સરકારે આંદોલનમાં હિંસા કરનારા લોકોને કેદ કરી તેમના તમામ સંસાધનો છીનવી લેવા જાેઈએ. આ અગાઉ કંગના રનૌતે રાજધાની દિલ્હીના વિડીયો અને હિંસાના ફોટો પર ટ્વીટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કંગનાએ આંદોલનમાં થયેલી હિંસાનો એક વિડીયો શેર કર્યો અને લખ્યું, દેશની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે, શરમ કરો આજે.
ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિનની પરેડ વચ્ચે રાજધાનીમાં જુદા જુદા સ્થળોએ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મોટી સંખ્યામાં વિરોધીઓ ટ્રેક્ટર લઇને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. ત્યારબાદ વિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લામાં પ્રવેશ્યા.
વિરોધીઓએ લાલ કિલ્લાની બાજુએથી પીળો ધ્વજ લહેરાવ્યો. રાજધાનીમાં આઈટીઓ ખાતે વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતોએ ટ્રેકટર દ્વારા બેરિકેડ તોડી નાખ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખતા પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. પરિસ્થિતિને જાેતા ગૃહમંત્રી અમિત શાહના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.