ખેડૂત મિત્રોએ દાંતીવાડા મુકામે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટીની મુલાકાત જરૂર લેવી જોઇએ
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના આ યુગમાં દરેક વ્યક્તિએ અધતન માહિતીથી માહિતગાર રહેવુ જરૂરી છે. ખેડૂતમિત્રો પણ આધુનિક ખેતપધ્ધતિઓ અપનાવી આયોજનપૂર્વક ખેતી કરે તો ઓછી મહેનતથી સારી આવક મેળવી શકાય છે. કૃષિ મહોત્સવ અભિયાન થકી રાજયની સાથે બનાસકાંઠા જીલ્લાના ઘણા ખેડૂતોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યુ છે. ખેતી લક્ષી માહિતી અને માર્ગદર્શન માટે બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા મુકામે કૃષિ યુનિવર્સિટી આવેલી છે. જાગૃત ખેડૂતો આ યુનિ. ની મુલાકાત લેતા રહે છે. અહીં પ્રસ્તુત છે યુનિ. ની પ્રવૃતિઓ વિશે જરૂરી વિગતો.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા મુકામે સરદાર કૃષિનગર ખાતે કૃષિ યુનિવર્સિટી આવેલ છે. જેની સ્થાપના ૧૯૭૨માં કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગર જિલ્લા આવેલ છે. આ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી કરવામાં આવે છે. યુનિ.માં કુલ ૮ મહાવિધાલયો અને ૫ પોલીટેકનીક કોલેજો કાર્યરત છે. જેમાં સ્નાતક કક્ષાએ અત્યાર સુધીમાં કુલ ૩૬૮૮ વિધાર્થીઓ અને અનુસ્નાતક કક્ષાએ ૧૭૦૬ તેમજ ડિપ્લોમા કક્ષાએ ૧૮૬૫ મળી કુલ ૭૨૫૯ કક્ષાએવિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ચાલુ વર્ષે સ્નાતક કક્ષાએ ૧૬૭૯, અનુસ્નાતક કક્ષાએ ૪૦૨, પી.એચ.ડી.ના ૮૦ અને પોલીટકનીકના ૪૯૧ વિધાર્થીઓ મળી કુલ ૨૬૫૨ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તેમજ રાજય કક્ષાના કુલ ૨૫ સંશોધન કેન્દ્રો કાર્યરત છે. જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતને લગતા વિવિધ પાકોની નવિન જાતો વિકસાવવામાં આવી છે. જેનાથી તેનુ ઉત્પાદન વધતાં ખેડૂતોને સારો ફાયદો થાય છે. આ યુનિ. દ્વારા ખેડૂતોને ઉપયોગી ૫૨૯ જેટલી નવિન ટેકનોલોજી બહાર પાડવામાં આવી છે. જેમાં જુદા જુદા પાકોની વધુ ઉત્પાદન આપતા ૪૩ પ્રકારના નવા સુધારેલા બિયારણો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે દિવેલા જીસીએચ-૮, ઘઉ માટે જીડબલ્યુ-૪૫૧,૩૨૨,૧૩૩૯ અને રાઇ જીડીએમ-૪, મગ જીએમ-૪, જીરૂ જીસી-૫, કપાસ જીટીએચ-૪૯, મકાઇ હાઇબ્રિડ-૧ વગેરે સંશોધનો દ્વારા ખેડૂતો સારી ગુણવત્તાનું વધુ ઉત્પાદન મેળવી શકે છે. ચાલુ વર્ષ દરમિયાન પણ ૫૫ પ્રકારના નવા સંશોધીત અને સુધારેલા બિયારણો માટે ભલામણો કરવામાં આવી છે.
‘‘હાઇબ્રીડ ટેકનોલોજી’’ દ્વારા વિવિધ કૃષિ પેદાશોના ઉત્પાદનમાં વધારો કરવા સંશોધન પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે. આ યુનિવર્સિટી દ્વારા નોંધપાત્ર ઉત્પાદન આપનારી ૧૦૦ થી પણ વધુ જાતોના બિયારણોનું સંશોધન કરવામાં આવ્યું છે. જે દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં આ યુનિવર્સિટી મહત્વનું યોગદાન આપે છે.
યુનિ.ના પ્રયત્નોથી કાંકરેજી ગાયના દૂધ ઉત્પાદનમાં છેલ્લા ત્રણ દાયકામાં ૯૧૭ લીટર પ્રતિ વેતરથી વધીને ૨૭૪૫ લીટર પ્રતિ વેતર સુધીનું કરી શકાયું છે. આ યુનિ. દ્વારા ૩ નવિન ટેકનોલોજીની પેટન્ટસ પ્રકાશીત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ નવી દિલ્હી દ્વારા વિશીષ્ઠ સંશોધન માટે આ યુનિ.ના ૮ સંશોધન કેન્દ્રોને બેસ્ટ આઇ.સી.એ.આર. પુરસ્કાર મળ્યા છે. યુનિ. દ્વારા ખેડૂતો માટે દર વર્ષે ૧૭૦૦ જેટલી વિસ્તરણની પ્રવૃતિઓ હાથ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને કૃષિ મેળા, કૃષિ પ્રદર્શન, ખેડૂત શિબિર જેવી પ્રવૃતિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ યુનિ.માં વિધાર્થીઓ માટે ઓડીટોરીયમ,સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, જીમ્નેશીયમ, ક્રિકેટ મેદાન તેમજ એથ્લેટીકસ ટ્રેક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.યુનિ. દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એગ્રી યુનિફેસ્ટનું આયોજન ફેબ્રુઆરી-૨૦૧૯ માં કરવામાં આવ્યું હતું. જેમાં દેશની ૬૩ જેટલી યુનિવર્સિટીઓના ૧૫૦૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
કૃષિ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા કૃષિ વિકાસ માટે વ્યાપક કામગીરી કરવામાં આવે છે. આ કૃષિ યુનિવર્સિટીના સક્રિય પ્રયાસોથી બટાકા, દાડમ, ઘઉં, એરંડા, જીરૂ, મકાઇ, રાજગરો સહીત વિવિધ પાકોના નવા સંશોધિત બિયારણો મબલખ ઉત્પાદન આપતા હોઇ, સમગ્ર દેશમાં તેની માંગ છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા છે.