ખેડૂત સંગઠનો દ્વારા ૧૪ ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ – ૧૮ એ દેશવ્યાપી રેલ રોકો આંદોલન
નવીદિલ્હી, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા અંગે હજુ પણ સ્થિતિ યથાવત જાેવામાં આવી રહી છે. માંઠાગાઠ ઉકેલવાનું નામ નથી લઇ રહી. ખેડૂતોની જીદ છે કે કૃષિકાયદા રદ કરો અને સરકારની જીદ છે કે કાયદા રદ નહીં કરવામાં આવે, યોગ્ય કારણો આપો તો બદલાવને અવકાશ છે. કાયદાઓ રદ કરવા પર અડગ રહેનારા ખેડૂતોએ આ મુદ્દે સરકાર સામે છેડેલા વિરોધ આંદોલનો આજે ૭૭ મો દિવસ હતો. નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ ૧૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી ‘રેલ રોકો‘ અભિયાનની જાહેરાત કરી દીઘી છે.
સંયુક્ત કિસાન મોરચાના નેતા ડો દર્શન પાલે ખેડૂત આંદોલનને લગતા નવા કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમણે માહિતી આપી હતી કે ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ રોડ ટોલ પ્લાઝાને ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરાવવામાં આવશે. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ સૈનિકોના બલિદાનને યાદ કરીને દેશભરમાં કેન્ડલસ્ટિક માર્ચ(‘મશાલ સરઘસ’) અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે.સાથે જ ૧૬ ફેબ્રુઆરીએ સર છોટુરામની જન્મજયંતી પર ખેડૂતો દેશભરમાં એકતા બતાવશે. દેશભરમાં ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ થી સાંજના ૪ વાગ્યા સુધી રેલ્વે રોકોનું આયોજન કરવામાં આવશે. અગાઉ ખેડૂતોએ ૬ ફેબ્રુઆરીએ પ્રજાસત્તાક દિન પર દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ અને દેશવ્યાપી વાહન વ્યવહારને ચક્કાજામ કરી હતી . આ સમય દરમિયાન દિલ્હી, યુપી અને ઉત્તરાખંડને ચક્કા જામથી અલગ રાખવામાં આવ્યા હતા.HS