ખેતલાઆપા ટી-સ્ટોલના માલિકની ઘાતકી હત્યા થઈ
સુરત, સુરત-ડુમસ રોડ પર મગદલ્લા વાય જંક્શન પર ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલક યુવકને રૂપિયાની લેવડ-દેવડ મામલે થયેલા વિવાદમાં બે લોકોએ ઊંઘમાં ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. રૂપિયા પરત લેવા મામલે પાછલા એક અઠવાડિયાથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી આવેશમાં આવેલા બે લોકોએ યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં શંકાના આધારે બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ વડોદરામાં હોટલ મેનેજમેન્ટ અને એવીએસન્સનો અભ્યાસ કરતો અને મૂળ ભાવનગરનો ૨૦ વર્ષનો વિરાજ મનિષ ચૌહાણ તેની ફ્રેન્ડ સ્વાતિ વાનખેડે સાથે મોબાઈલ ફોનમાં ફિલ્મ જાેઈ રહ્યો હતો. આ દરમિયાન વિરાજનો ભરૂચનો મિત્ર અને ખેતલાઆપા ટી-સ્ટોલનો માલિક રોહિતસિંગ પરિહાર (૨૩) સ્ટોલની બહાર ખાટલામાં સૂતો હતો ત્યારે બૂમા-બૂમ થવાનો અવાજ સંભળાયો અને કોઈ રિક્ષા ચાલુ કરવાનો અવાજ આવતો હતો.
આ દરમિયાન વિરાજે દુકાનનું શટર ખોલાવવા પ્રયાસ કર્યો હતો, પછી વિરાજે રોહિતને પણ ફોન કર્યો હતો, પરંતુ તેણે ઉપાડ્યો નહોતો. વિરાજે અન્ય મિત્રને ફોન કરતા ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર ખોલ્યું હતું. ચિરાગે જાેયું કે રોહિતનું ગળું કપાયેલું હતું અને તેના પેટમાંથી લોહી નીકળી રહ્યું હતું. આવી હાલતમાં રોહિતસિંગ પલંગની નીચે પડ્યો હતો.
ચિરાગે શટર ખોલતા વિરાજ અને સ્વાતિ બહાર આવ્યા હતા અને તરત જ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રિક્ષા ચાલક અજય સુદામે રોહિત પાસેથી ઉછીના ૮૦ હજાર રુપિયા લીધા હતા. આ રુપિયાની રોહિત છેલ્લા ૧૦ દિવસથી ઉઘરાણી કરી રહ્યો હતો.SSS