ખેતીવાડી ગુણવત્તા સંબંધિત જોગવાઇઓના પાલનમાં ક્ષતિ બદલ ૧૦૬૧ નોટીસો ફટકારવામાં આવી
ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ ઋતુ પૂર્વે ગુણવત્તા નિયંત્રણ માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી
Ø કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ તંત્રએ ચાલુ વર્ષે ખરીફ ઋતુ પૂર્વે કુલ ૩૩ ટીમોની રચના કરી
૭૩૧.૮૦ લાખ રૂપિયા કિંમતની ૯૮૪૯ ક્વિન્ટલ અને ૮૬૩૮ લીટર ખેત સામગ્રી અટકાવવામાં આવી
કૃષિ વિભાગના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા ચાલુ વર્ષે ખરીફ ઋતુ પૂર્વે તારીખ ૨૬.૦૫.૨૦૨૨ થી તારીખ ર૮.૦૫.૨૦૨૨ દરમિયાન ૩૩ ટીમોની રચના કરી રાજ્ય વ્યાપી ખાસ મુહિમ હાથ ધરવામાં આવી હતી. આ ટીમો દ્વારા બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ૩૪૭૫ જેટલા ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેની સ્થળ મુલાકાત લઇ ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. જેમાં ખેત સામગ્રી અને રાસાયણિક ખાતરની ગુણવત્તા ચકાસવા ૫૯૫ નમૂના લેવાયા હતા. અંદાજિત ૭૩૧.૮૦ લાખ રૂપિયા કિંમતની ૯૮૪૯ ક્વિન્ટલ અને ૮૬૩૮ લીટર ખેત સામગ્રી અટકાવવામાં આવી જ્યારે ગુણવત્તા સંબંધિત જોગવાઇઓના પાલનમાં ક્ષતિ બદલ ૧૦૬૧ નોટીસો ફટકારી છે.
ખેત ઉત્પાદન અને ઉત્પાદકતામાં બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર જેવી ખેત સામગ્રી ઘણો મહત્વનો ફાળો ભજવે છે જેના માટે રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે ગુણવત્તાયુકત અને પુરતા પ્રમાણમાં બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર મળી રહે માટે કૃષિ ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખેડૂતોને વિવિધ કાર્યક્રમો, સમાચાર પત્રો તથા સોશિયલ મીડિયા વગેરે માધ્યમો દ્વારા અધિકૃત વિક્રેતા પાસેથી પાકા બીલ સાથે ખેત સામગ્રી અને રાસાયણિક ખાતરની ખરીદી કરવા જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત ખેતીવાડી ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા સતત ખેત સામગ્રીની કાળાબજારી થાય નહી કે ખેડૂતોને હલકી ગુણવત્તાવાળી ખેત સામગ્રીનું વિતરણ ન થાય તે માટે પુરતી તકેદારી પણ રાખવામાં
આવે છે.