ખેલમહાકુંભ-૨૦૧૯ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો
ગોધરા:ખેલમહાકુંભના પરિણામે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ પોતાની પ્રતિભા બતાવવાની અને ખેલકૂદક્ષેત્રે આગળ વધવાની તકો ઉપલબ્ધ થઈ છે, ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ-૨૦૧૯ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે આમ જણાવ્યું હતું. મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ખેલમહાકુંભ કાર્યક્રમના પરિણામે રાજ્યમાં સ્પોર્ટસ કલ્ચરના વિકાસને સુંદર વેગ મળ્યો છે અને પરિણામે રાજ્યને દર વર્ષે નવી ખેલ પ્રતિભાઓની ભેટ મળી રહી છે.
જિલ્લાના ઉભરતા ખેલાડીઓને પ્રેક્ટિસ અને ટ્રેનિંગ માટે સરકારે ગોધરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને મોરા ખાતે ડીએલએસએસ જેવી ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે ખેલમહાકુંભ રમત-ગમત ક્ષેત્રે કારર્કિદી બનાવવા ઉત્સુક વિદ્યાર્થીઓ-યુવાનો અને રમતગમત પ્રેમીઓને ખૂબ ઉપયોગી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવામાં સફળ રહ્યા છે.
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના પરિણામે નાની ઉંમરે જ ખેલક્ષેત્રે પ્રતિભા પારખીને તેને યોગ્ય પ્રશિક્ષણ અને સવલતો પૂરી પાડી શકાય તે પ્રકારની સિસ્ટમ ઉભી કરવામાં સફળતા મળી છે. બાળકના માનસિક-શારીરિક વિકાસ અને સર્વાંગી વિકાસમાં ખેલ-કૂદના મહત્વ વિશે વાત કરતા તેમણે જિલ્લા વહીવટીતંત્ર ખેલાડીઓને પૂરતી સુવિધાઓ અને મદદ પૂરી પાડવા કટિબદ્ધ હોવાનું ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલમહાકુંભ-૨૦૧૯ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સૌથી વધુ મેડલ મેળવનાર ગોધરાની એમ એન્ડ એમ મહેતા, હાલોલની વી.એમ. ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને વેજલપુરની એકલવ્ય મોડેલ સ્કૂલને અનુક્રમે રૂ.૧.૫ લાખ, રૂ. ૧લાખ અને રૂ. ૭૫ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જિલ્લાના રમતગમત અધિકારી શ્રી પ્રકાશ કલાસવાએ કાર્યક્રમની આભારવિધી રજૂ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી ઈલેન્દ્ર પંચાલ સહિતના જિલ્લા પંચાયત-નગરપાલિકાના પદાઘિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, જિલ્લા પોલિસ વડા ડો.લીના પાટિલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.