ખેલ મંત્રીએ બેંક ઓફ બરોડા ત્રીજી રાષ્ટ્રીય માસ્ટર્સ ગેમ્સનો ધ્વજ ફરકાવી શુભારંભ કરાવ્યો

વડોદરા: રાજ્યના રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે, નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેંક ઓફ બરોડા ત્રીજી રાષ્ટ્રીય માસ્ટર્સ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ધ્વજ ફરકાવ્યો હતો અને રમતવીરોના દસ્તાઓની સલામી લીધી હતી. આ ખેલ મહોત્સવમાં વિવિધ ૨૭ રાજ્યોના ૬ હજાર જેટલા ખેલાડીઓ ૧૫ પ્રકારની રમતોમાં વિજેતા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે .
ગુજરાત હવે રમતવીરોની ભૂમિ બની રહી છે એવી લાગણી વ્યક્ત કરતા ખેલ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ એ જણાવ્યું કે ખેલ મહાકુંભએ રાજ્યમાં રમતોનો ભાગ્યોદય કર્યો છે અને ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડ, હરમીત દેસાઈ જેવા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
માસ્ટર ગેમ્સ ૩૦ વર્ષથી લઈને ૧૦૦ વર્ષની ઉંમર સુધીના રમત ચાહકોને રમવાની તક આપે છે એનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ રમતોત્સવમાં ૮૦ થી વધુ ઉંમરના ૪૮ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એ યુવા પેઢી માટે ખૂબ પ્રેરણાદાયક છે. તેમણે આટલા વિશાળ રમતોત્સવના સફળ આયોજન માટે ડો. ભરત ડાંગર અને સ્વયંસેવકોની ટીમને બિરદાવી હતી.
પૂર્વ મેયર ડો. ભરત ડાંગરે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહિત કરતા આ ખેલ મહોત્સવના સફળ આયોજનમાં સહભાગી બનેલા સહુનો આભાર વ્યક્ત કરવાની સાથે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતના કાર્યકાળ દરમિયાન ખેલ મહાકુંભની અને રાષ્ટ્રીય સ્તરે થી ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયાની ભેટ આપી છે જે તંદુરસ્ત પેઢી અને મજબૂત રાષ્ટ્રના ઘડતરમાં મહત્વના પડાવો બની રહેશે. આ પ્રસંગે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ આધારિત ઝુંબા ડાંસ સહિત રમત રુચિ વર્ધક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેયર ડો.જિગીષા શેઠ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા, મનીષા વકીલ, સીમાબેન મોહિલે, શૈલેષભાઈ મહેતા, બીઆરજી ગ્રુપના સુકાની બકુલેશ ગુપ્તા, પોલીસ કમિશનર અનુપમસિંહજી, મ્યુનિસિપલ કમિશનર નલીનભાઇ ઉપાધ્યાય, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા, માસ્ટર્સ ગેમ્સ એસોસિએશન ઓફ ગુજરાતના અધ્યક્ષ અને બેંક ઓફ બરોડાના ડાયરેકટર ડો. ભરત ડાંગર, રાષ્ટ્રીય, રાજ્ય અને વિશ્વ ફેડરેશનના પદાધિકારીઓ, નગર સેવકો ઊપસ્થિત રહયા હતા. હવે પછી જાપાનમાં રમાનારી વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સના આયોજકોના પ્રતિનિધિઓ આ રમતોત્સવ નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા છે.