ખેલ મહાકુંભ-૨૦૧૯નો વલસાડ જિલ્લાનો ઇનામ વિતરણ સમારંભ બાઇ આંવાબાઇ હાઇસ્કુલ ખાતે યોજાયો
‘‘ યુવાનો દેશને નવો દ્રષ્ટિકોણ આપી શકે છે ”તેમ આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે બાઇ આંવાબાઇ હાઇસ્કુલ ખાતે યોજાયેલા સ્પોર્ટસ ઓથીરિટી ઓફ ગુજરાત રાજય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-૨૦૧૯ નો વલસાડ જિલ્લાનો ઇનામ વિતરણ સમારંભ અવસરે જણાવ્યું હતું.
આ અવસરે ખેલાડીઓને પ્રોત્સાહન આપતા આદિજાતી વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, દેશના યુવાનોને રમતગમત ક્ષેત્ર તરફ વાળવાનો દ્રષ્ટિકોણ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હતો. યુવાનોને નવો અવકાશ મળે તે માટે ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડીયા વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. ખેલમહાકુંભની શરૂઆતમાં ૧૫ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે વધીને આજે ૩૫ રમતોનો ખેલ મહાકુંભમા યોજવામાં આવે છે. આ ખેલ મહાકુંભમાં ૧ લાખ ૪૦ હજાર પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો છે.
રમત ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા ૪૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેના થકી ખેલાડીઓને સારી સુવિધાઓ આપવામાં આવી છે. આજે ગામના છેવાડાના ખેલાડીઓ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ શકે છે. સરીતા ગાયકવાડ જેવા રમત વીરો દેશનું નામ રોશન કરી રહયા છે. રમતગમત જીતવા માટે જ નહીં પરંતુ તંદુરસ્ત જીવન માટે પણ તેટલી જ જરૂરી છે. રમત એ આપણા જીવનનો અભિન્ન અંગ છે. રમત એ દેશને સંગઠીત કરવાનું એક બળ છે. ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડનાર કોચ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં રાજય સહિત જિલ્લામાં વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, વલસાડ કલેકટર સી.આર.ખરસાણ, અધિક નિવાસી કલેકટર એન.એ. રાજપુત, નગર પાલિકા પ્રમુખ પંકજભાઇ, પ્રાંત અધિકારીશ્રી વલસાડ મામલતદાર, રમત-ગમત અધિકારી, , સીટી મામલતદાર સહિત કોચ, શિક્ષકો, ખેલાડીઓ હાજર રહયા હતા.