Western Times News

Gujarati News

ખેલ મહાકુંભ ૨૦૧૯ નો શુભારંભ અને  સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી.

  • પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં ગુજરાત અગ્રેસર રહેશે
  • ગુજરાત વિકાસની સાથે સામાજિક સેવા, આરોગ્ય અને રમત ગમત ક્ષેત્રે પાછળ ન રહે તેવી નેમ
  • ૧૦ મો ખેલ મહાકુંભમાં ૪૬ લાખ રમતપ્રેમીઓએ  નોંધણી કરાવી વિક્રમ સર્જ્યો
  • શક્તિદૂત યોજનાના પરિણામે ગુજરાતના રમતવિરોને સ્વરૂપ ૩૩૭ ગોલ્ડ મેડલ સહિત કુલ ૬૯૩ મેડલ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ-૨૦૧૯નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાત પ્રધામંત્રીશ્રીએ કરેલા ફીટ ઈન્ડિયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, ફિટનેસ માત્ર શબ્દ નહિ પરંતુ સ્વસ્થ જીવનની કેડી બને એવા આ કાર્યક્રમમાં ગુજરાતે માત્ર એક દિવસ યોગ દિવસ નહિ પરંતુ યોગ બોર્ડ દ્વારા ૩૬૫ દિવસ યોગ અભ્યાસ અને ખેલ મહાકુંભ દ્વારા રમતગમતને જન જન સુધી પહોંચાડવાના આયોજન કર્યા છે.

વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે, ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રો સામાજિક સેવા, ઇન્ફ્રાસ્ટ્રકચર આરોગ્ય કે રમત-ગમતમાં ક્યાંય પાછળ ન રહે તેવી નેમ સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે ૧૦માં ખેલમહાકુંભમાં ૪૬ લાખ રમત પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવીને વિક્રમ સર્જ્યો છે. ખેલ મહાકુંભને જીવંત બનાવ્યો છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, રાજ્યના હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી સઘન તાલીમ ઇનામો અને પ્રોત્સાહન સરકાર આપે છે. ૧.૬૦  લાખ ખેલાડીઓને આવા ૪૦ કરોડથી વધુના ઇનામો આપ્યા છે.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, રાજ્યમાં રમત ગમતની અદ્યતન પદ્ધતિસરની તાલીમ અને રિસર્ચ માટે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેમજ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કુલ અને એકેડમી સ્થાપિત કરી છે. શકિતદુત યોજના અંગે તેમણે કહ્યું કે, આ યોજના અન્વયે પ્રતિભાવંત યુવા ખેલાડીઓને પ્રશિક્ષણ સહાય આપીને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પ્રેરણા આપવામાં આવે છે. આ યોજનાને પરિણામે ગુજરાતના ખેલાડીઓ ૩૩૭ ગોલ્ડ સહિત ૬૯૩ મેડલ્સ જીતી લાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી.

વિજયભાઈ રૂપાણીએ સંસ્કાર ધામની આ નવિન સ્પોર્ટ્સ એકેડમી બાળકોને વિશ્વ કક્ષાની રમતો માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ફૂટબોલ અને આર્ચરીની રમત સ્પર્ધાઓની શરૂઆત કરાવી ખેલ મહાકુંભ-૨૦૧૯ ને ખુલ્લો મૂક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ  સંસ્કારધામે વિદ્યાર્થીઓની સ્વવિકાસની અનેકવિધ પ્રવૃત્તિ સાથે સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરી છે ત્યારે અહીંના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાની તક મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી સંસ્કારધામના  ટ્રસ્ટીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

-:ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ:- ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, સંસ્કારધામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની શ્રેષ્ઠ સંસ્થા છે. તેમણે કહ્યું કે, બાળકો શિક્ષણ લઈ માત્ર નોકરી કરે તેવા વિચારોને બદલી તેમની રુચિ પ્રમાણે શિક્ષણ તાલીમ અને રમતનું માર્ગદર્શન મળે તેવું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વપ્ન ખેલ મહાકુંભથી સાકાર થઇ રહ્યું છે.

શ્રીમતી આનંદીબહેને જણાવ્યું કે, ભારત સરકાર વ્યક્તિદીઠ આરોગ્ય માટે રૂપિયા ૭૦૦૦ ખર્ચે છે ત્યારે સ્વચ્છતાં રાખી અને રમતગમત ક્ષેત્રે ભાગ લઇ શરીરને તંદુરસ્ત રાખી શકીએ તેમ છે. શ્રીમતી પટેલે દેશમાં રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર સ્પોર્ટ્સ આઈકોનમાંથી પ્રેરણા લેવા દેશના યુવાનોને અનુરોધ કર્યો હતો સાથો સાથ દરેકને દિવસમાં સમય કાઢી શરીરને તંદુરસ્ત બનાવવા ખાસ અપીલ કરી હતી.

-: કેન્દ્રીય યુવા અને રમત-ગમત શ્રી કિરણ રિજજુ:-

આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજુએ જણાવ્યું હતું કે, ભારતિયોને હવે આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં એક-બે મેડલથી સંતોષ નહીં થાય. ભારત વિશ્વમાં રમતગમત ક્ષેત્રે પરચમ લહેરાવવા સુસજ્જ બની રહ્યું છે. ન્યૂ ઇન્ડિયા અને આવનારા સમયમાં રમતગમત ક્ષેત્રે મહાશક્તિ બનશે એમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રમત ગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય સરકારે કરેલા કામોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે જે માળખાગત સુવિધાઓ વિકસાવાઈ છે તે પ્રકારની વ્યવસ્થા તેમણે અન્ય કોઈ રાજ્યમાં નથી જોઈ.  તેમણે કહ્યું હતું કે, સંસ્કારધામ અને ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ બની શકે તેમ છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની ખેલ મહાકુંભ પહેલમાંથી બોધપાઠ લેશે એમ તેમણે ઉમેર્યું હતું

મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યના રમતગમત મંત્રીઓની કોન્ફરન્સ કેવડિયા ખાતે આયોજન કરવા માટે વિચારી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ફીટ ઇન્ડિયા અભિયાનમાં જોડાવાની અપીલ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ફિટ ઇન્ડિયા એ માત્ર રમત ગમત મંત્રાલયનું અભિયાન નથી, આપણે ફિટ રહેવું એ અન્ય કોઈની જરૂરિયાત નથી પણ એ આપણા માટે જરૂરી છે. તંદુરસ્ત શરીર તંદુરસ્ત મન માટે જરૂરી છે. તંદુરસ્ત વ્યક્તિ જ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી શકે.

તેમણે જણાવ્યું કે, રમત-ગમતના માધ્યમથી દેશને એક થવાની તાકાત મળે છે આથી દરેક ને કોઈને કોઈ રમત રમવી જોઈએ.         રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભમાં યુવાઓને વધુને વધુ પ્રમાણમાં જોડાવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે રમતવીર એમ.સી. મેરીકોમે જણાવ્યું હતું કે, રમત-ગમત એ કારકિર્દી પણ છે. વડાપ્રધાનશ્રી મોદીજીના ફીટ ઇન્ડિયા અભિયાનને અપનાવી યુવાનો રમત-ગમત ક્ષેત્રમાં આગળ આવે એમ તેઓએ અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્ય અને દેશના રમતવીરોનું સંસ્કારધામ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કારધામના ચેરમેન ડો આર. કે. શાહે સ્વાગત પ્રવચનમાં સંસ્કારધામની પ્રવૃતિઓની જાણકારી આપી હતી.

આ પ્રસંગે નેશનલ બેડમિન્ટન કોચ શ્રી ગોપીચંદ પુલેલાજી, ઓલમ્પિક બોક્સર એમ.સી. મેરિકોમ અને ઇન્ડિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ, ઓલમ્પિક શુટર ગગન નારંગ, પદ્મશ્રી દિપા મલીક સહિત અનેક રમતવીરો, સ્પોર્ટ્સ ઓથોરિટિ ઓફ ગુજરાતના સચીવશ્રી ડી.ડી. કપડીયા રમતગમત વિભાગના સચીવશ્રી રમેશચંદ મીના અને મોટિ સંખ્યામાં વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.