ખોખરાની કે.કા.શાસ્ત્રી કોલેજ ખાતે મેગા રોજગાર મેળો યોજાયો
રોજગાર મેળાને ખુલ્લો મુકતા સંસદ સભ્યશ્રી ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે, ગુજરાત દેશમાં રોજગાર આપવામાં મોખરાનું રાજ્ય છે. જેના લીધે રાજ્યમાં અનેક લોકોને રોજગારીના અવસર મળ્યા છે. આ મેળામાં ૧,૯૭૩ લોકોએ ભાગ લીધો હતો અને તેમાંથી ૧,૪૪૭ લોકોને નોકરી મળી હતી. આ અવસરે કે.કા. શાસ્ત્રી કોલેજના આચાર્યશ્રી ડો. યોગેશ યાદવ, રોજગાર વિભાગના મદદનિશ નિયમક ડો. એસ.આર. વિજયવર્ગીય તથા રોજગાર વાંચ્છુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતીઓમાં રહેલી ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યમશીલતાને લીધે ગુજરાત વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં મોખરાનું રાજ્ય છે. રાજ્યમાં ઉદ્યોગોના વિકાસને લીધે રોજગારીની વ્યાપક તકો ઉપલબ્ધ બની છે.
સંસદ સભ્યશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સમયાંતરે ઉદ્યોગકારો તથા રોજગાર દાતાઓ સાથે સતત સંકલનમાં રહી નવી ઉભી થતી રોજગારની તકો લાભાર્થીઓને ઘરઆંગણે મળે તે માટે આવા રોજગાર મેળા ઉપયુક્ત બન્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ મળે તે માટે ઉદ્યોગના નજીકની આઈ.ટી.આઈ માં નવા ટ્રેડ શરૂ કરી કૌશલ્યવાન કર્મચારીઓ ઉદ્યોગોને ઉપલબ્ધ બનાવાયા છે. આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે, ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ પ્રસંગીક પ્રવચનો કર્યા હતા.
આ રોજગાર મેળામાં ૪૯ કંપનીઓ હાજર રહીને રૂા. ૮૫૦૦ થી રૂા. ૪૫ હજાર સુધીની નોકરીઓની ઓફર કરાઈ હતી.