Western Times News

Gujarati News

ખોખરામાં ઓટલા પર બેઠેલી વૃધ્ધાને કારે કચડી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા કડક ટ્રાફિક નિયમનો અમલ કરવામાં આવી રહયો છે તેમ છતાં શહેરમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના ઘટી રહી છે ગઈકાલે મોડી સાંજે શહેરના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનની બહાર ઓટલા પર બેઠેલી એક વૃધ્ધાને કારે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જાવા મળતો હતો અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છુટયો હતો જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના કડક નિયમોનો અમલ કરવામાં આવી રહયો છે તેમ છતાં શહેરમાં કેટલાક ગંભીર અકસ્માતના બનાવો બની રહયા છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનમાં બ્લોક નં.૧૪૧ની બહાર ઓટલા પર ઉમાબેન શર્મા નામની ૬પ વર્ષની વૃધ્ધા બેઠી હતી આજે પવિત્ર શિવરાત્રીનો તહેવાર હોવાથી સમગ્ર વિસ્તારમાં તેની તડામાર તૈયારીઓ ચાલતી હતી

આ દરમિયાનમાં અચાનક જ પુરઝડપે પસીર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઓટલા પર બેઠેલ વૃધ્ધા પર ફરી વળી હતી જેના પરિણામે ઉમાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટનાના પગલે તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા લોકોના રોષને જાતા કાર ચાલક સ્થળ પર જ કાર મુકીને ફરાર થઈ ગયો હતો બીજીબાજુ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં અને તપાસ કરતા વૃધ્ધાનું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યુ હતું પોલીસે ઉમાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલ હોસ્પિટલ  મોકલી આપી તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો બીજીબાજુ પોલીસે કારના નંબરના આધારે આરટીઓની મદદથી ચાલકની શોધખોળ શરૂ કરી છે. પવિત્ર શિવરાત્રીના તહેવારની પૂર્વ સંધ્યાએ અકસ્માતની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં શોકનું મોજુ જાવા મળતું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.