ખોખરામાં ખંડણી ઉઘરાવતા શખ્સે વેપારીનું અપહરણ કર્યું
રૂપિયા લેવા પરત ફરતાં અગાઉથી જ હાજર પોલીસે તેને ઝડપી લીધો
(પ્રતિનિધિ) અમદાવાદ: સીટીએમ એકસપ્રેસ હાઈવે પર આવેલી ગ્રીન માર્કેટના વેપારીઓ પાસે કોર્પોરેશનના નામે ખંડણી માંગતા એક શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાઈ છે. આ શખ્સ બધા વેપારીઓ પાસે રૂપિયાની માંગણી કરતો હતો જાેકે એક વેપારીએ તેને નનૈયો ભણતા તેનું અપહરણ કરીને તેને મારવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ પોલીસે તેને ઝડપી લીધો છે.
મુળ રાજસ્થાનના વતની ભકારામ પ્રજાપતિ પોતાના મોટાભાઈ મુલારામ સાથે કળશ એન્કલેવ વટવા ખાતે રહે છે અને સીટીએમ એકસપ્રેસ હાઈવે સામે ગ્રીન માર્કેટમાં દુકાન ધરાવી શાકભાજીનો ધંધો કરે છે અગાઉ ગ્રીન માર્કેટની બહાર શાકભાજીનો ધંધો કરતો મહેશ રસીકલાલ જાેષી (બાબુભાઈની હવેલી સામે, ખોખરા) સાત દિવસ અગાઉ તેમની પાસે આવ્યો હતો અને ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે તેમ કહેતા ભકારામે હું ખોટો ધંધો કરતો નથી તો શેના રૂપિયા આપુ ? તેમ કહેતા મહેશે એએમસીમાં હપ્તા પેટે પૈસા આપવા પડશે એમ કહયું હતું અને બેથી ત્રણ દિવસથીતે ભકારામ પાસે સતત રૂપિયાની માંગણી કરતો હતો આ જ રીતે એએમસીના નામે માર્કેટના અન્ય વેપારીઓને પણ ડરાવતો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું.
શુક્રવારે સવારે ભકારામ તેમની દુકાન પાસે ઉભા હતા ત્યારે અચાનક આવેલા મહેશે ‘તારે રૂપિયા આપવા છે કે નહી ?’ તેમ કહી ધમકાવતા ભકારામે રૂપિયા આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા મહેશે તેમને ગાળો બોલી ફેંટ પકડીને જબરદસ્તી એક્ટીવા ઉપર બેસાડી દીધા હતા અને ત્યાંથી દુર કેનાલ નજીક લઈ જઈ મારવાની ધમકી આપતા ડરી ગયેલા વેપારીએ માર્કેટમાં જઈને રૂપિયા આપુ છું તેમ કહયું હતું અને બંને એક્ટિવા પર બેસી દુકાને ફર્યા હતા જાેકે ખોખરા પોલીસને જાણ કરતાં તે અગાઉથી જ ત્યાં હાજર હતા જેથી મહેશને ઝડપી લીધો હતો અને તેના વિરુધ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.