Western Times News

Gujarati News

ખોખરામાં ગુંડા તત્વોનો આતંક : રૂપિયા ન આપતાં વેપારીને છરીના ઘા માર્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક તરફ સુરક્ષાના દાવા કરવામાં આવી રહયા છે બીજી તરફ એક અઠવાડીયામાં જુદા-જુદા વિસ્તારોમાં લારી ઉપર વેપાર કરતા વ્યક્તિઓ ઉપર હુમલા કરવાની પાંચથી સાત ઘટનાઓ સામે આવી છે જે આટલેથી જ ન અટકતા હાટકેશ્વર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે કેટલાક ઈસમોએ વધુ એક લારી ચાલકને હપ્તો ન આપતાં માર મારી છરી વડે હુમલો કર્યો હતો આ ગુંડાતત્વો આટલેથી ન અટકતા તેમણે આસપાસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં ગુંડારાજ કેટલાક સમયથી વધ્યુ છે અસામાજીક તત્વો કોઈપણ પ્રકારના ખોફ વગર સશસ્ત્ર હુમલા તથા મારામારી કરી રહયા છે. આ સ્થિતિમાં મંગળવારે રાત્રે હાટકેશ્વર બસ ડેપો સામે આવેલા નાડીયાવાસના નાકે કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો. ગૌરીશંકર નારાયણકર રાણાશેઠની ચાલી ખાતે રહે છે અને હાટકેશ્વર ડેપો ખાતે નાસ્તાની લારી ચલાવે છે.

મંગળવારે રાત્રે રાબેતા મુજબ તે ધંધો કરતા હતા ત્યારે આઠ વાગ્યાના સુમારે નાડીયાવાસમાં જ રહેતા સુજલ કીરીટભાઈ નાડીયા તથા માનવ નાડીયા તેમની લારીએ આવ્યા હતા અને કોઈપણ કારણ વગર તેમની પાસે રૂપિયાની માંગણી કરી હતી જે આપવાનો ગૌરીશંકરે ઈન્કાર કરતા બંને ગુંડા તત્વો ઉશ્કેરાઈ જઈને તેમને ગાળો બોલી લાફો માર્યો હતો ગૌરીશંકર નીચે પડી જતાં તેમની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો જેથી ગૌરીશંકરના માતા તથા મિત્ર આશિષભાઈ વચ્ચે પડતાં બંને શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.

બાદમાં “અહીં લારી ઉભી રાખતો નહી નહીતર જાનથી મારી નાખીશું.”કહી લારી ઉંધી વાળી દીધી હતી ઉપરાંત આસપાસના કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરી રાહદારીઓ ઉપર હુમલો કરતા વાતાવરણ તંગ થઈ ગયું હતું અને નાસભાગ મચી ગઈ હતી બીજી તરફ કોઈએ પોલીસને જાણ કરી હતી જાેકે પોલીસ આવે એ પહેલાં જ બંને ત્યાંથી ભાગી ગયા હતા. ખોખરા પોલીસે બંને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.