ખોખરામાં બીડી પીવા ન આપતા યુવકે સગીરને ચપ્પાના ઘા મારી દીધા
સગીર તેના મિત્રો સાથે ચા પીતો હતો ત્યારે તકરાર થઈ હતી
ઘાયલ સગીરે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા, તકનો લાભ લઈને હુમલાખોર નાસી ગયો હતો
અમદાવાદ,
ખોખરામાં રહેતો સગીર તેના મિત્રો સાથે રાત્રે ચા પીવા માટે ગયો ત્યારે રાહુલ નામના યુવકે આવીને સગીર પાસે બીડી પીવા માગી હતી. સગીરે બીડી ન હોવાનું કહેતા યુવકે સગીર સાથે તકરાર કરી હતી. આ દરમિયાન સગીરના મિત્રો વચ્ચે પડતા યુવકે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને સગીરને ગળા અને માથાના ભાગે મારી દીધુ હતું. ઘાયલ સગીરે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા.
તકનો લાભ લઈને હુમલાખોર નાસી ગયો હતો. ઘાયલ સગીરને મિત્રો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સગીરે રાહુલ નામના યુવક વિરુદ્ધ ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ખોખરાના ભાઈપુરા વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષીય સગીર બુધવારે રાત્રે તેના મિત્રો સાથે ચાની કીટલીએ ચા પીવા ગયો હતો. ત્યારે રાહુલ નામનો યુવક સગીર પાસે આવ્યો હતા અને પીવા માટે બીડી માગી હતી.
જોકે, સગીરે તેની પાસે બીડી ન હોવાનું કહેતા યુવક ઝઘડો કરવા લાગ્યો અને ગાળો બોલીને સગીર અને તેની સાથે આવેલા તેના મિત્રોને મારવા લાગ્યો હતો. આ દરમિયાનમાં બીડી માગી રહેલા રાહુલે પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને સગીરને મારી દીધું હતું. બૂમાબૂમ થતા ટોળું ભેગું થઈ જતા હુમલાખોર યુવક નાસી ગયો હતો. ઘાયલ સગીરને મિત્રો એલ.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખોખરા પોલીસે રાહુલ સામે ગુનો નોંધ્યો હતો.ss1