ખોખરામાં સશસ્ત્ર ટોળાનો આંતકઃ પાંચ ગંભીર
નાસ્તાની દુકાનમાં તોડફોડઃ વાહનોને નુકશાન : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદઃ બે મહીલા પણ ગંભીરઃ તમામ હોસ્પિટલસારવાર હેઠળ: પોલીસે લુખ્ખા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાઃ યુવતીના પ્રશ્ને મામલો બીચક્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: લુખ્ખા તત્વોનો આંતક શહેરમાં ખૂબ જ વધ્યો છે. ટોળકી બનાવીને ફરતા હથિયારધારી અસામાજીક તત્વો અમદાવાદના વિવિધ વિસ્તારોને માથે લે છે અને બાદમાં કાયદેસરની કાર્યવાહીથી પણ બચી જતાં હોવાની ઘટના અવારનવાર બહાર આવતી રહે છે. આવા ગુંડાઓને કાયદાની કોઈ બીક જ ન હોય એમ તે વર્તતા હોય છે. આવી જ એક ઘટના ખોખરા વિસ્તારમાં બની છે.
જેમાં લુખ્ખા તત્વોએ એક યુવતીની બાબતે તેના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને તે કંઈ સમજે તે પહેલાં જ દસથી પંદર શખ્સોની ટોળકીએ પરીવાર પર હિંસક હુમલો કરી દીધો. ઘટનાને પગલે નાસભાગ મચી હતી આ જીવલેણ હુમલામાં પરીવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘાયલોમાં બે મહીલાઓનો પણ સમાવેશ થાય છે.
આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ નિશાબેન કવંડર (૩૦) તેમના માતા-પિતા, ભાઈ નિશાંત તથા બે સંતાનો સાથે હરીવંદન સોસાયટી ઈડલી ચાર રસ્તા ખોખરા ખાતે રહે છે તેમના પતિ મુંબઈમાં નોકરી કરે છે નિશાબેન પરીવાર સાથે ઘરની સામે જ નિશા નામની હોટેલ ધરાવી વ્યાપાર કરે છે તેમની નાની બહેન નિકીતા (ર૩) એ કેટલાંક સમય અગાઉ વિજય નામના કોઈ શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેની સાથે વટવા ખાતે રહેતી હતી.
ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાના સુમારે વિજય ઉર્ફે ઘુટટન મુદલીયાર તેના સાગરીતો સાથે હથિયારો લઈને નિશાબેનના ઘરે આવ્યો હતો અને તમારી દીકરી નિકીતા તથા વિજય વચ્ચે ઝઘડો થયેલ છે તો અમે તેને રાખવા માંગતા ન હોઈ કાલે મુકી જઈશું તેમ કહયુ હતુ.
જેથી નિશાબેન અને તેમના પરીવારે નિકીતાને અપનાવવાનો ઈન્કાર કરતા વિજય ઉર્ફે ઘટ્ટા તથા તેના સાગરીતોએ અચાનક ઉશ્કેરાઈ જઈને જાહેરમાં ગાળાગાળી કરીને પાઈપો તથા અન્ય હથિયારો વડે નિશાબેનના પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો અચાનક જ બનેલી ઘટનાથી તમામ સ્તબ્ધ થઈ ગયા હતા દસથી પંદર શખ્સોના ટોળાએ હુમલો કરતાં બુમાબુમ થતાં અન્ય લોકો પણ એકત્ર થઈ ગયા હતા.
આ ઘટનામાં વિજય અને તેની ટોળકીએ પરીવાર પર જીવલેણ હુમલો કરતાં નિશાબેન તેમનો ભાઈ નિશાંત, તેમના માતા-પિતા અને મામાને ગંભીર ઈજાઓ પહોચી હતી બાદમાં પાંચેયને સ્થાનિક રહીશોએ મણીનગરની એલ.જી હોસ્પીટલે પહોચાડયા હતા જેમાં ત્રણની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ પાંચેય ડોકટરની દેખરેખ હેઠળ છે.
આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેમાં બાઈક ઉપર આવેલા હથિયાર ધારી શખ્સો સોસાયટીમાં ઘુસીને મારામારી કરતા નજરે પડે છે ઉપરાંત તેમણે વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ અંગે મોડી રાત્રે ખોખરા પોલીસે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વિજય તથા તેના સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.