ખોખરામાં સાયકલ પર જતી યુવતિના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ અનલોક-૧ માં છુટછાટો અપાતા ગુનેગારો પણ સક્રિય બન્યા છે ખાસ કરીને ચેઈન સ્નેચીંગની ઘટનાઓમાં વધારો થઈ રહયો છે અમદાવાદ શહેરમાં લોકડાઉન પહેલા ચેઈન સ્નેચરોનો આંતક જાવા મળતો હતો અને હવે ધીમેધીમે આવી ઘટનાઓ પુનઃ વધવા લાગતા પોલીસ અધિકારીઓ સક્રિય બન્યા છે શહેરના ખોખરા વિસ્તારમાં સાયકલ પર પસાર થતી એક યુવતિના ગળામાંથી બાઈક પર આવેલા બે શખ્સો સોનાનો દોરો તોડી પલાયન થઈ જતાં યુવતિએ બુમાબુમ કરી મુકી હતી લોકો એકત્ર થઈ જાય તે પહેલા જ બંને લુંટારુઓ ભાગી છુટયા હતા.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક-૧માં દુકાનો અને બજારો ખોલવાની મંજુરી મળી ગઈ છે તેના પગલે શહેરના રસ્તાઓ ફરી ધમધમવા લાગ્યા છે અને દુકાનો અને બજારોમાં નાગરિકોની ભીડ પણ જાવા મળી રહી છે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા લુંટારુ ટોળકીઓ સક્રિય બની ગઈ છે
અનલોક-૧માં ચેઈન સ્નેચીંગની ઘટનાઓ બનવા લાગી છે શહેરના ખોખરા ગામમાં સ્વામિનારાયણ મંદિર સામે લલિત ચોકમાં રહેતી જશ્મીકાબહેન સોની નામની ર૮ વર્ષીય યુવતિ સવારે ખોખરા ઝઘડિયા બ્રીજ પર મ્યુનિ. સ્ટાફ કવાર્ટસ પાસેથી સાયકલ લઈને પસાર થઈ રહી હતી આ દરમિયાનમાં એક્ટિવા પર બે શખ્સો તેની ખૂબ જ નજીક આવી ગયા હતા.
જશ્મીકા કશું સમજે તે પહેલા જ એક્ટિવા પર બેઠેલા એક શખ્સે તેના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી લીધી હતી. આ ઘટનાથી ગભરાયેલી જશ્મીકાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ તે પહેલા જ બંને લુંટારુઓ ભાગી છુટયા હતાં આ અંગે જશ્મીકાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.