Western Times News

Gujarati News

ખોખરા-મણીનગરમાં 6- બહેરામપુરામાં 3 દુકાનો મળી AMCએ 9 દુકાનોને સીલ લગાવ્યા

પ્રતિકાત્મક

દક્ષિણ ઝોનનાં ૧૩ અને ઉત્તર પશ્ચિમ ઝોનનાં બે એકમને ગંદકી કરવા બદલ સીલ કરાયાં-બન્ને ઝોનમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો

(એજન્સી)અમદાવાદ, એક તરફ શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૪ અને માય સિટી, માય પ્રાઈડ અભિયાન અંતર્ગત સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત કાર્યક્રમો યોજવામાં આવે છે અને સોસાયટી તથા ફલેટને ચોખ્ખાંચણાક રાખતા નાગરિકોનું સન્માન પણ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ જાહેરમાં ગંદકી કરનારા બેજવાબદાર નાગરિકોને પાઠ ભણાવવામાં મ્યુનિ. સત્તાધીશો આક્રમક વલણ અપનાવે છે.

મ્યુનિસિપલ તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરના દક્ષિણ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રીતસર સપાટો બોલાવીને જાહેર માર્ગ પર ગંદકી કે ન્યુસન્સ કરનારા ધંધાકીય એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન દક્ષિણ ઝોનના કુલ ૧૩ અને ઉત્તર પશ્ચિમ ઝોનના બે એકમને તંત્રની ટીમોએ તાળાં મારી દીધા હતા.

દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડિરેકટરના જણાવ્યા અનુસાર શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતાં ધંધાથીઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ હેઠળ દક્ષિણ ઝોનના કુલ ૩ર૩ જેટલા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના રૂલ્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા એકમો કે શખ્સો વિરૂદ્ધ જીપીએમસી એકટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રની ટીમોએ ૧૪ રહેણાંક એકમ અને ૧૪૩ કોમર્શિયલ એકમ મળી કુલ ૧પ૭ એકમને નોટિસ ફટકારી હતી.

તંત્રએ દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં સુરતી ડ્રેસ સાડી, અણમોલ સાડી, શ્રી શ્યામ ટ્રેડર્સ, વટવા વોર્ડમાં આદ્યશક્તિ પ્રોવિઝન સ્ટોર ઉપરાંત મણિનગરના ત્રણ, બહેરામપુરાના બે અને ઈસનપુરના એક એકમ મળીને કુલ ૧૩ એકમને જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરી દીધા હતા. તંત્રએ ડ્રાઈવ અંતર્ગત ૩.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો અને કસૂરવારો પાસેથી રૂ.૭૪,૭પ૦નો દંડ વસૂલ્યો હતો.

શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો ત્રાટકી હતી અને ગંદકી કરવા બદલ ઘાટલોડિયા વોર્ડના એક અને બોડકદેવ વોર્ડના એક એકમને સીલ કરી દીધા હતા. સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોનના કુલ ૩ર૦ જેટલા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને નિયમોના ઉલ્લંઘન બદલ ૧૩પ એકમને ઈશ્યુ કરવામાં આવી હતી.

તંત્રને ચેકિંગ દરમિયાન જાણ થઈ હતી કે ઘાટલોડિયાના રવિશંકર મહારાજ રોડ પર આવેલા ક્રિષ્ના પાન પાર્લર અને બોડકદેવના ઓમ પાન પાર્લરના ધંધાર્થીઓ દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી રહી છે. આથી તંત્રએ આ બન્ને એકમને સીલ કરી દીધા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સમગ્ર ઝોનમાંથી ૬.ર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.૯ર,૭૦૦નો દંડ પણ વસૂલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.