ખોટી રીતે ખેડૂત બની જમીન પચાવી પાડનાર તત્વો ચેતે, રાજય સરકાર કોઇને બક્ષસે નહીં
મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ભારતના રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાવ્યું
સમગ્ર વિશ્વ ભારત-ગુજરાતની વિકાસયાત્રાને જોઇને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઇ રહ્યું છે – મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
પેટલાદ ખાતે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-ઉમંગ-હર્ષોલ્લાસથી ભવ્ય ઉજવણી
દારૂ પીનારો છટકી ને જાય નહીં, દારૂ પી ને અકસ્માત કરનારા પણ આ સરકારના હાથમાંથી છટકી શકવાનો નથી.
આણંદ – રાજયના મહેસૂલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ભારતના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભારતના રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાત એટલે દરેક ક્ષેત્રમાં મોખરે રહેવા કટિબધ્ધ રાજય.
ગુજરાતની આ છબી પાછળ રાજયને છેલ્લા બે દાયકામાં મળેલું કુશળ અને દીર્ઘ દ્રષ્ટિવાળું નેતૃત્વ રહ્યું છે. ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયાસો કર્યા હતા. તેજ રીતે રાજયના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર માળખાકીય સુવિધામાં વધારો કરી રહી હોવાનું જણાવ્યું હતું.
મંત્રી શ્રી ત્રિવેદીએ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આન, બાન અને શાનને સમસ્ત વિશ્વમાં ઉજાગર કરીને વિકસીત રાષ્ટ્રની એક અલગ ઓળખ ઉભી કરી છે. તેજ રીતે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આગળ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં આજે સમગ્ર વિશ્વ ભારત-ગુજરાતની વિકાસ યાત્રાને જોઇને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઇ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
મહેસુલ મંત્રી શ્રી ત્રિવેદીએ રાજયના મૃદુ અને મકકમ નિર્ણયશકિત ધરાવતા મુખ્ય મંત્રીશ્રીના પ્રેરક માર્ગદર્શન હેઠળ મહેસૂલી સેવાઓ સરળ અને ઝડપી બનાવી છે પરિણામે નાગરિકોના કામ વધુ પારદર્શક રીતે ઝડપથી પૂર્ણ થાય છે તેમ જણાવ્યું હતું.
તેમણે વધુમાં તાજેતરમાં મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિવિધ ૧૪ નિર્ણયોની વિગતવાર જાણકારી આપવાની સાથે આવકના દાખલાઓની માન્યતા મુદ્ત એક વર્ષથી વધારી ત્રણ વર્ષની, એફિડેવિટ કરવામાંથી મુકિત, ઇંટ ઉત્પાદકોના હિતમાં લેવામાં આવેલ નિર્ણય, ઓનલાઇન ડિજીટલ સાઇન, દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત પુરાવાના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનથી બિનખેતીનો હુકમ, બી.યુ. પરમીશન, લે-આઉટ પ્લાન સહિતના વિવિધ ક્રાંતિકારી નિર્ણયોની જાણકારી આપી હતી.
મહેસૂલ મંત્રીશ્રીએ આયુષ્યમાન ભારત, કોરોનાના કપરાકાળમાં કોઇ વ્યકિત ભૂખ્યો ન સુવે તે માટે લેવામાં આવેલ દરકાર, નિરામય આરોગ્ય દિવસ જેવી નાગરિકોના આરોગ્ય સુખાકારી માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો આપી ઊર્જાવાન મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ બને, વિકાસનો મુખ્ય આધાર આ મંત્ર સાથે અને ગુજરાતના વિકાસ માટે સરકાર પ્રતિબધ્ધ હોવાનું કહ્યું હતું.
શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ રાજય સરકાર દ્વારા અમલીકરણ એવી અનેકવિધ યોજનાઓ જેવી કે, કિસાન સૂર્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઝીરો (૦) ટકા પાક ધિરાણ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, વનબંધુ યોજના, મુખ્ય મંત્રી બાળ સેવા યોજના, ગંગા સ્વરૂપા યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, નારી સશકિતકરણ, મુખ્ય મંત્રી માતૃશકિત યોજના,
મહેસૂલી મેળા, મિશન મંગલમ, જળ સંચય યોજના, નલ સે જલ, ઉજજવલા યોજના, મુખ્ય મંત્રી સડક યોજના જેવી અનેકવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓની રૂપરેખા આપી હતી. તેમણે વધુમાં લેન્ડ ગ્રેબિંગ એકટ, લવ જેહાદ કાયદો, પાસ એકટ, ગુંડા એકટ જેવા વિવિધ કાયદાઓ થકી ગુજરાતના નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનાવી હોવાનું ઉમેર્યું હતું.
મહેસૂલ મંત્રીશ્રીએ માતરના કિસ્સાને યાદ કરી રાજયના ગરીબ પરિવારોની મહામૂલી જમીન ખોટી રીતે પચાવી પાડી ખેડૂત બનતા તત્વોની ચેતી જાય તેવી ચીમકી ઉચ્ચારી આવા ખોટી રીતે ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર તત્વો પાસેથી તમામ જમીન રાજય સરકાર પરત મેળવશે તેટલું જ નહીં પણ રાજય કોઇને બક્ષસે નહીં કેમ કે, ખેડૂતનો દરજ્જો એ ધરતીના તાતનો દરજ્જો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ રાજયના વિવિધ પ્રવાસન ધામોના કરવામાં આવી રહેલ વિકાસ કામોનો ચિતાર રજૂ કરી હવે દેશ-વિદેશના સહેલાણીઓ માટે ગુજરાત ફર્સ્ટ ચોઇસ ઓફ ડેસ્ટીનેશન બન્યું હોવાનું જણાવ્યું હતું.
શ્રી ત્રિવેદીએ સલામતી અને શાંતિ એ ગુજરાતની આગવી ઓળખ બની ગઇ હોવાનું જણાવી ન્યુ એજ પોલીસીંગના ભાગરૂપે એક તરફ ટેનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નકકર નિર્ણયો થકી સરકાર વધુને વધુ પ્રજાલક્ષી નિર્ણયો લઇ રહી છે.
તો બીજી તરફ પોલીસની સંવેદનશીલતા અને માનવીય અભિગમના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં દારૂ પીનારો છટકી ને જાય નહીં સાથોસાથ દારૂ પી ને અકસ્માત કરનારા પણ આ સરકારના હાથમાંથી છટકી શકવાનો નથી તેમ ઉમેર્યું હતું.
મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઇ રહ્યું છે તેનું આપણે સૌને ગૌરવ હોવું જોઇએ. તેમણે વધુમાં આઝાદીની ચળવળમાં અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે
ત્યારે આપણે સૌએ તેમના યોગદાનને ગૌરવપૂર્વક યાદ કરવા જોઇએ તેમ જણાવી આઝાદીના અમૃતકાળને યશસ્વી બનાવવાની અપીલ કરી જનસેવા-લોકહિત કામો માટે પ્રબળ સંકલ્પ – અડગ આત્મવિશ્વાસ અને અખુટ જોમ-જુસ્સાથી મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ અવિરત વિકાસરૂપી ગંગાને આગળ ધપાવવા સૌને સંકલ્પબધ્ધ થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે પેટલાદ નગરપાલિકાના વિકાસ કામો માટે રૂા. ૨૫ લાખનો ચેક નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ અને ચીફ ઓફિસરને અર્પણ કરવામાં આવ્યો હતો. જયારે મંત્રી
શ્રી ત્રિવેદીના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર અધિકારીઓ/કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે સ્વામીત્વ યોજના હેઠળના લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યા હતા. જયારે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર બાળકોને મંત્રીશ્રીના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ખૂલ્લી જીપમાં બેસીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, પદ્મ વિભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણી સહિત મહાનુભાવોના હસ્તે નગરપાલિકાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં આકાર પામી રહેલા ૭૫ અમૃત સરોવરો પૈકી ૨૬ અમૃત સરોવરોનું પણ આ તકે મહેસૂલ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના સાર્વભૌમત્વ સમાન જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરતાં તેનું અભિવાદન કરવાના ભાગરૂપે પેટલાદ સરકીટ હાઉસ ખાતેથી ૩૭૦ યુવાનો સાથેની ૩૭૦ મીટર રાષ્ટ્રધ્વજ સાથેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે રેલીનું મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી જયારે ૩૭૦ બલૂનો ઉડાડી આભાર-અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, પદ્મ વિભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ, ધારાસભ્ય શ્રી નિરંજનભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના,
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજીયન, જિલ્લા અગ્રણી સર્વ શ્રી વિપુલભાઇ પટેલ, મયુરભાઇ સુથાર અને શ્રી મહેશભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી સી. ડી. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અંબાલાલ રોહિત અને સંજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રદીપભાઇ પટેલ, પેટલાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, પ્રાંત અધિકારી શ્રી પ્રજ્ઞેશ જાની,
પેટલાદ રણછોડજી મંદિરના સંત શ્રી વાસુદેવજી મહારાજ સહિત જિલ્લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, પેટલાદ શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, પેટલાદ શહેરના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.