Western Times News

Gujarati News

ખોડલધામમાં ધામધૂમથી ખોડિયાર જયંતીની ઉજવણી

પ્રાગટ્ય દિને મા ખોડલનો વિશિષ્ટ શણગાર કરી ધરવામાં આવ્યા છપ્પન ભોગના અન્નકૂટ- ખોડલધામ મંદિરે યોજાયા અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ અને મહાઆરતી જેવા મનમોહક કાર્યક્રમ –ખોડલધામમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ

કાગવડ: જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના તીર્થધામ એવા ખોડલધામ મંદિરે દિવસે દિવસે ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના પ્રાગટ્ય દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, દિવ્ય ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર જયંતીના દિવસે યોજાયેલા અન્નકૂટ દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

ખોડલધામ મંદિરમાં દર વર્ષે જગત જનની મા ખોડિયારના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ખોડિયાર જયંતી એટલે કે મહા સુદ આઠમને 2 ફેબ્રુઆરીના રોજ ખોડલધામ મંદિરમાં ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા ભાવપૂર્વક અન્નકૂટ દર્શનની સાથે દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ અને મહાઆરતી જેવા મનમોહક કાર્યક્રમો યોજ્યા હતા. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ 56 વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

આખો દિવસ ભક્તો આ અન્નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બપોરે અન્નકૂટની મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. આ પૂર્વે સવારે 8.30 થી 11.30 વાગ્યા સુધી નવચંડી યજ્ઞ યોજાયો હતો જ્યારે બપોરે 1.00 થી 3.30 વાગ્યા દરમિયાન ધ્વજાજીનું પૂજન અને સામૈયા કરીને મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખોડિયાર જયંતીના દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ પણ હાજર રહીને મા ખોડલના આશીર્વાદ લીધા હતા.

મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ હોવાથી ખોડલધામ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યા હતા. માતાજીને 9 કિલો ડ્રાયફ્રુટમાંથી બનાવેલો હાર ચઢાવવામાં આવ્યો હતો. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના શણગાર અને છપ્પન ભોગના અન્નકૂટ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.