Western Times News

Gujarati News

ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

‘કાગવડ ગામના ચોક રે સજાવ્યા, ગરબે રમવા ખોડલ મા પધાર્યા…’: 
સૂરતાલના સથવારે પૂર બહારમાં ખીલ્યો ખોડલધામ નવરાત્રિ મહોત્સવનો રંગ
રોશનીના ઝાકમઝોળ વચ્ચે જામ્યો રાજકોટના ચાર ઝોનમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવ

રાજકોટઃ પ્રથમ નોરતે વરસાદના વિઘ્નથી નિરાશ થયેલા ખેલૈયાઓ બીજા નોરતાથી રાસ-ગરબાની બમણી રમઝટ બોલાવી રહ્યા છે. રાજકોટમાં જાણે રાત પડેને સૂરજ ઉગે એમ ખેલૈયાઓ સૂરતાલના સથવારે થનગનાટ કરી રહ્યા છે. દર વર્ષની જેમ રાજકોટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવમાં પણ ખેલૈયાઓ પૂર બહારમાં ખીલી ઉઠ્યા છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં ચાર ઝોનમાં પારિવારિક માહોલમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ સૂરતાલના સથવારે રાસ-ગરબાની રમઝટ બોલાવી મા ખોડલની આરાધના કરી રહ્યા છે. દરરોજ વેલ ડ્રેસ અને પ્રિન્સ, પ્રિન્સેસ માટે ઈનામોની વણઝાર વરસી રહી છે.


નોર્થ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના મેદાનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયેલું છે. રોશનીના ઝાકમઝોળ વચ્ચે યોજાઈ રહેલા નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દરરોજ 6થી 7 હજાર ખેલૈયાઓ સિંગર યુનુસ શેખ, હીના મીર, જય દવે, આરતી ભટ્ટ, હાર્દિક ડોડીયા, મ્યુઝિક એરેન્જર આરીફ ચીના, મિલન ગોહિલ ઓરકેસ્ટ્રા મેગાસ્ટાર અને એન્કર મીરા દોશી મણીયારના સથવારે મન મૂકીને ઝૂમી ધરતી ધ્રુજાવી રહ્યા છે.


વેસ્ટ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામે, રામધણ પાછળ, 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે જાજરમાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. વેસ્ટ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સીંગર નિશાંત જોશી, પૂજા ચૌહાણ, ઉર્વી પૂરોહિત, અમિતા પટેલ, અનિલ પટેલ અને એન્કર ડૉ. ઉત્પલ જીવરાજાની રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

વેસ્ટ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ 6 હજારથી વધુ ખેલૈયાઓ પારિવારિક માહોલમાં રાસ-ગરબે રમી મા ખોડલની આરાધના કરી રહ્યા છે.

સાઉથ ઝોનઃ 80 ફૂટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસેના શ્રી પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલના મેદાનમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સર્વ જ્ઞાતિની બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને મા ખોડલની ભક્તિ કરી રહી છે.

સાઉથ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ આશરે 3 હજારથી વધુ મહિલાઓ સીંગર વિશાલ વરૂ, બસીર પાલેજા, મનિષા પ્રજાપતિ, રિધમ એરેન્જ રવિ સાનીયા અને રીંકલ પટેલ (જય રામદેવ સાઉન્ડ)ના તાલે ઝૂમી રહી છે. પારિવારિક માહોલમાં યોજાઈ રહેલા સાઉથ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સર્વ જ્ઞાતિની બહેનો રાસ-ગરબાની રમઝટ બોલાવી રહી છે.

ઈસ્ટ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલા શ્રી રણછોડદાસ બાપુ આશ્રમનો વંડાના મેદાનમાં સર્વ જ્ઞાતિની બહેનો માટે પારિવારિક વાતાવરણમાં રાસ-ગરબાનું આયોજન કરાયેલું છે. ખોડલધામ ઈસ્ટ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સીંગર નીરવ રાયચુરા, કવિતા ઝાલા, પ્રકાશ પરમાર, ઈમરાન કાન્યા, અનુબેન પરમાર અને એન્કર આરજે વિનોદના સૂરોની રેલમછેલ વચ્ચે આશરે 4 હજાર જેટલી સર્વ જ્ઞાતિની બહેનો રંગારંગ રાસોત્સવમાં ઝૂમીને મા ખોડલની વંદના કરી રહી છે.

રાજકોટના ચાર ઝોનમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં પારિવારિક માહોલમાં ખેલૈયાઓ ગરબે રમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરરોજ ગરબા ગ્રાઉન્ડ પર મા ખોડલની આરતી કરી ભાવવંદના કરાય છે. દરરોજ વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસને ઈનામો આપવામાં આવે છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરાયેલી છે. ગ્રાઉન્ડ પર દર્શકો લાઈવ ગરબા નિહાળી શકે તે માટે એલઈડી સ્ક્રીનની પણ સુવિધા ઉભી કરાઈ છે. અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગના ઝાકમઝોળ અને સૂરતાલના સથવારે ખોડલધામ નવરાત્રિ મહોત્સવનો રંગ પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.