ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા આઠમને રવિવારના રોજ મહાઆરતીનું ભવ્ય આયોજન
રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે નોર્થ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે રવિવારે સાંજે 7 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રીની ઉપસ્થિતિમાં માતાજીની મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીમાં તમામ ટ્રસ્ટીઓ અને મહાનુભાવો પણ જોડાશે.
ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના મેદાનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયેલું છે. રોશનીના ઝાકમઝોળ વચ્ચે યોજાઈ રહેલા નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દરરોજ 6થી 7હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે નવરાત્રિના આઠમા નોરતે તારીખ 6 ઓક્ટોબરના રોજ સાંજે 7 કલાકે નોર્થ ઝોન ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો આ મહાઆરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરશે. ગરબા ગ્રાઉન્ડ પર સાંજે 7 કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવશે.સાથે જ માતાજીની પધરામણી કરવામાં આવશે. મહાઆરતી બાદ તમામ ખેલૈયાઓ સાફા પહેરીને રાસ-ગરબે રમશે અને બાદમાં ગ્રાઉન્ડ પર આતશબાજી કરવામાં આવશે.
ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા દરરોજ એ.પી પટેલ કન્યા છાત્રાલય, જી.ટી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, કંડોરણા છાત્રાલયની, અને ટોપલેન્ડ સ્કૂલની મળીને કુલ 5 હજારથી વધુ બાળાઓને ગ્રાઉન્ડ પર રાસ-ગરબે રમાડવામાં આવે છે. આયોજકો દ્વારા તમામ બાળાઓ માટે ચેવડો-પેંડાનો નાસ્તો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.