ખોડલધામ પ્રમુખનું ધોરાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે
ધોરાજીમાં ૧૧ તારીખે ખોડલધામના્ પ્રમુખ નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે જ ખોડલધામ ચોકનું નામકરણ વિધિ સમારોહ યોજાશે. ધોરાજી ખોડલધામના પ્રમુખ અરવિંદભાઈ વોરાએ આ માહિતી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, નરેશભાઈ પટેલ ત્રિવિધ સમારોહમાં પધારતા હોય ત્યારે તેઓનું સરદાર પટેલ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે આગામી ૨૧ જાન્યુઆરીના રોજ અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબધ્ધ કરવા નરેશભાઈ પટેલ ધોરાજી આવી રહ્યા છે.
આ દરમિયાન બહેનો તથા ભાઇઓ સાથે બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરશે. બાદમાં સ્વાતી ચોકનું નવું નામ “શ્રી ખોડલધામ ચોક” નામકરણ નરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત ખોડલધામ કાર્યાલયનું ઉદ્ઘાટન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંકુલ ખાતે નરેશભાઈ પટેલ સમાજને સંદેશો આપશે.