ગંગાને ઝેરી બનાવતા કારખાનાઓને જંગી દંડ
નવી દિલ્હી, ગંગા નદીના નીરને ઝેરી બનાવી રહેલ કારખાનાઓને નેશનલ ગ્રીન ટીબ્યુનલે ર૮૦ કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. ગંગા નદીમાં કોમિયમના કારણોસર એનજીટી (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)એ ૧રર જેટલા ગંદુ પાણી ઓકતા કારખાનાઓ સામે સખ્ત પગલા લીધા છે. ગંગા નદીમાં ક્રોમિયમયુકત ગંદુ પાણી ઠલવાતું રોકવામાં નિષ્ફળ ગયેલ ઉત્તર પ્રદેશ સરકારને એનજીટીએ ફટકાર લગાવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) ઉત્તર પ્રદેશની યોગી સરકાર ઉપર ૧૪ કરોડનો અને ઉત્તર પ્રદેશ પીસીબી-જળ નિગમ ઉપર ૧-૧ કરોડનો દંડ ઝીંકયો છે.
એનજીટીએ કહ્યું હતું કે, આ અગાઉ ચેતવણી આપવા છતાં નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. શહેરો અને ગામડાઓમાં ભૂતળના પાણીને પ્રદુષિત કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારનું તેના તરફ કોઇ ધ્યાન નથી. એનજીટીએ ગંગામાં ફેલાવાઇ રહેલા પ્રદુષણ ઉપર આકરું વલણ અપનાવ્યું છે. કાનપુર ગ્રામ્યના રનિયા અને નગરના રાખી મંડી વિસ્તારમાં ગંગામાં ઝેરીલા ક્રોમિયમ યુકત ગંદા પાણીને ઠલવાતું રોકવામાં નિષ્ફળ ગઈ છે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારની આકરી ઝાટકણી કાઢી છે સાથે જ આવું ભયંકર પ્રદુષણ ફેલાવતી ૧રર કંપનીઓ (ટેનરિયો) ઉપર ર૮૦ કરોડનો દંડ ફટકાર્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની બેન્જે કહ્યું હતું કે, ઉ.પ્ર.ની યોગી સરકાર ગંગા નદીમાં ઠલવાતા ઝેરી પદાર્થો રોકવામાં નિષ્ફળ રહી છે. ૧૯૭૬ થી આજ સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાયો નથી. અહીંના ભૂતળનું પાણી પ્રદુષિત થયું છે અને આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને પણ ખૂબ નુકશાન થયું છે. એનજીટીએ તેના હુકમમાં રહ્યું છે કે, ઉત્તર પ્રદેશ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ દોષિત કારખાનાઓ પાસેથી દંડ વસૂલવો જોઇએ અને જયાં સુધી દંડની રકમ વસૂલાય નહીં ત્યાં સુધી યોગી સરકારે જાતે આ રકમ ‘ઇએસસીઆરઓડબલ્યુ’ ના ખાતામાં મૂકવી જોઇએ. જેનો ઉપયોગ આ વિસ્તારના પર્યાવરણમાં અને સાર્વજનિક સ્વાસ્થ્ય સુધારણામાં કરવામાં આવે.