ગંગામાં વહેતી ૧૦૦ લાશથી યુપી-બિહારમાં ભયનો માહોલ
સ્થાનિક લોકોને એ વાતની આશંકા છે ગંગા નદીમાં વહીને આવેલી લાશો કોવિડ સંક્રમિત દર્દીઓની છે
નવી દિલ્હી: કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે બિહાર અને ઉત્તર પ્રદેશમાં અનેક સંદિગ્ધ લાશો, ગંગી નદીમાં વહેતી જાેવા મળી છે. થોડા દિવસોમાં ઓછામાં ઓછી ૯૬ ખરાબ અને ફુલી ચૂકેલી લાશો ગંગામાંથી મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગની લાશો કોરોના સંક્રમિતોની છે. બિહારના બક્સર જિલ્લામાં જ્યાં ૭૩ લાશો મળી આવી છે, તો પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ઓછામાં ઓછી ૨૫ લાશો ગંગામાં વહેતી મળી આવી છે. ગંગા નદીમાં લાશો મળી આવતાં બક્સર અને ગાજીપુરના સ્થાનિકોમાં ડરનો માહોલ પણ છવાઈ ગયો છે.
બિહાર સરકારે મંગળવારે કહ્યું કે, બક્સર જિલ્લામાં ગંગા નદીમાંથી અત્યાર સુધીમાં ૭૧ લાશો કાઢવામાં આવી છે. આ લાશો કોરોના સંક્રમિતોની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના અંતિમ સંસ્કાર કરવાને બદલે ગંગા નદીમાં પ્રવાહિત કરી દેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ પોતાના ટ્વીટરમાં બક્સર જિલ્લામાં ચૈસા ગામની પાસે આ લાશોને ગંગા નદીમાંથી મળ્યા બાદ ચર્ચા કરતાં કહ્યું કે ૪-૫ દિવસ જૂની ક્ષત-વિક્ષત આ લાશો પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશથી બક્સર બિહાર આવી છે.
આ દરમિયાન બક્સરના અનુમંડળ અધિકારી કે.કે. ઉપાધ્યાયે જણાવ્યું કે સરહદ પર લગાવવામાં આવેલી જાળની નજીક ઉત્તર પ્રદેશથી મંગળવારે બે અન્ય લાશ ગંગા નદીમાં વહીને આવી છે જેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરહદ પર જ કરવામાં આવી રહી છે. બક્સરના એસપી નીરજ કુમારે જણાવ્યું કે, અમે અત્યાર સુધીમાં ગંગામાંથી ૭૧ લાશોને બહાર કાઢી છે. અમે તમામ લાશોના પોસ્ટમોર્ટમ કર્યા અને ડીએનએ તથા કોવિડના નમૂના પણ લીધા છે. તેઓએ કહ્યું કે સરકાર કોવિડ પ્રોટોકોલ અનુસાર લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
તેઓએ કહ્યું કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું લાશો સ્થાનિક રહેવાસીઓની છે. કેટલીક લાશો ઉત્તર પ્રદેશથી પણ આવી શકે છે. તે બિહાર અને ઉત્તર પ્રદેશ પોલીસ માટે તપાસનો વિષય છે. નદીમાં લાશો મળી આવ્યા બાદ ઉત્તર પ્રદેશના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું કે ઉત્તર પ્રદેશ પર આરોપ લગાવવો ખોટો છે. અખબાર મુજબ કુમારે કહ્યું કે, લાશો બિહારમાં મળી છે અને તે બિહાર સરકારની જવાબદારી છે કે તે તેની તપાસ કરાવે અને આગળની કાર્યવાહી કરે. ઉત્તર પ્રદેશને દોષ આપવો યોગ્ય નથી. એડીજીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે જળ સમાધિને રોકવા માટે પહેલા જ એક આદેશ જાહેર કર્યો છે. તેઓએ કહ્યું કે, આ આદેશનું રાજ્યમાં કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.