ગંગાસ્વરૂપ બહેનો માટે લૉકડાઉનમાં દેવદૂત બન્યા પોસ્ટ્મેન
કોરોના મહામારીના સમયમાં પોસ્ટ વિભાગની પ્રશંસનીય કામગીરી
રાજકોટ જિલ્લાની 14000 ઉપરાંત ગંગાસ્વરૂપ બહેનોને ઘેરબેઠા પહોંચાડે છે સરકારી સહાય
દેશ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વિવિધ સંસ્થા સાથે જોડાયેલા લોકો કોરોના સામેની લડાઈમાં પોતાનું ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. સંદેશાવાહક તરીકે એક સમયે જેમની મુખ્ય ભૂમિકા હતી તે પોસ્ટ ઓફિસો દ્વારા પણ આ સમયે મહત્વની સેવાઓ અપાઈ રહી છે. પોસ્ટમેનો દેવદૂતની માફક લોકોના ઘરે પહોંચી ગંગા સ્વરૂપ બહેનોને સહાય પહોંચાડી રહ્યા છે.
એક સમય હતો કે લોકો પોસ્ટ કાર્ડ લખતા અને દૂર-દૂર સુધી રહેતા તેમના સગાઓને સંદેશા પહોંચાડતા જોકે સમય બદલાયો અને એમની સાથે લોકોની જરૂરિયાત પણ બદલાઇ. પોસ્ટ કાર્ડ નું સ્થાન હવે વોટ્સએપ મેસેજ તેમજ ઇમેઇલ લઈ લીધું છે ત્યારે આજની પેઢી માં પોસ્ટ ઓફિસ તેમજ પોસ્ટમેન ની લોકપ્રિયતા ખૂબ જ ઓછી છે જોકે દેશ જ્યારે કોરોનાની મહામારીમાં મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આ જ સરકારી સંસ્થા એટલે કે પોસ્ટ ઓફીસ આગળ આવી છે.
સરકાર દ્વારા દર મહિને લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. આ ગંગાસ્વરૂપ મહિલાઓ રૂપિયા લેવા દર મહિને પોસ્ટ ઓફિસ પહોંચી જતા હોય છે. જો કે અત્યારે લૉકડાઉનની સ્થિતિ છે આ સ્થિતિમાં આ ગંગાસ્વરૂપ મહિલાઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે તો કેટલીક મહિલાઓ એવી પણ છે કે જેમનું ગુજરાન સરકાર દ્વારા અપાતા વિધવા પેન્શન માંથી ચાલતું હોય છે ત્યારે ઘરની બહાર ન નીકળવાના કારણે તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. જરૂરિયાતના આ સમયે આગળ આવી છે પોસ્ટ ઓફિસ . રાજકોટની પોસ્ટ ઓફિસ દ્વારા જેઓ પોસ્ટ ઓફિસ સુધી ન પહોંચી શકતા હોય તેમના ઘર સુધી આ રૂપિયા પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
(ગંગાસ્વરૂપ ચંદ્રિકાબેન પાટડિયા ઘરે બેઠા પોસ્ટમેન દ્વારા પોતાનું વિધવા પેન્શન મેળવી રહ્યા છે)
પોસ્ટ માસ્તરના આદેશ મુજબ પોસ્ટમેનો લોકોના ઘરે જઈ ને ગંગાસ્વરૂપ મહિલાઓને તેમનું પેન્શન તેમજ અન્ય સહાય આપી રહ્યા છે ત્યારે આ મહિલાઓ અને પણ ખૂબ જ હર્ષની લાગણી થાય છે.ઘરના દરવાજે ઉભેલા પોસ્ટમેન કહે છે ચંદ્રિકા બહેન તમારા 4000 રૂપિયા આપવા માટે તમારે ઘેર આવ્યો છું ત્યારે ગંગા સ્વરૂપ ચંદ્રિકા બહેનના આંખમાં આંસુ આવ્યા હતા. લૉકડાઉન હોવાથી ઘર ચલાવવા મુશ્કેલી પડતી હોય ત્યારે સરકાર દ્વારા મોકલાવેલ પૈસા લેવા પોસ્ટ ઓફિસે જવાના બદલે બહાર ઘરે પોસ્ટમેન દ્વારા તેમના હાથમાં રકમ મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી.છે.
(ગંગાસ્વરૂપ વંદનાબેન પાટડિયા ઘરે બેઠા પોસ્ટમેન દ્વારા પોતાનું વિધવા પેન્શન મેળવી રહ્યા છે)
ગંગાસ્વરૂપ વંદનાબહેન પાડડિયાએ જણાવ્યું કે લૉકડાઉનમાં પોસ્ટઓફિસને એક વાર જાણ કરતાની સાથે જ તેમને રૂપિયા 4500 ની સહાય ઘરે બેઠા મળી ગઈ છે. તેઓએ સરકારના આ સરાહનીય કામ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
(પોસ્ટમેન વજીરભાઈ બગથરિયા)
રાજકોટ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટમેન વજીરભાઈ બગથરિયાએ કહ્યું કે આ મુસીબતના સમયમાં ડોક્ટર પોલીસ સહિતના લોકો દેશ માટે સેવા કરી રહ્યા છે ત્યારે તેમને આ કાર્ય કરવાનો મોકો મળતા તેઓ પણ ગૌરવની લાગણી અનુભવે છે. તેઓનું કહેવું છે કે આ કપરા સમયમાં અમને પણ દેશસેવા કરવાનો લાભ મળ્યો જેથી અમે ખૂબ જ ખુશ છીએ.
પોસ્ટ માસ્તર મીરલ ખમારે જણાવ્યું હતું કે ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય પહોંચાડવા માટે રાજકોટ જિલ્લાની 7 પોસ્ટ ઓફિસ અને 300 જેટલા પોસ્ટમેન કર્મચારીઓ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા છે. આ યોજનાનો લાભ જિલ્લાની 20 હજાર બહેનો લાભ લઈ રહી છે. જે પૈકી અત્યાર સુધી 14 હજાર લાભાર્થી બહેનોને પોસ્ટમેન મારફત સહાયની રકમ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા સહાયની રકમ મેળવવા માટે વ્હોટ્સએપ નંબર 6354919676 અને 6354919695 શરૂ કરવામાં આવ્યા છે. આ નંબર પર મેસેજ મારફત જાણ કરનાર લાભાર્થીને નિયત સમય મર્યાદામાં પોસ્ટમેન મારફત ઘર બેઠા સહાયની રકમ ચૂકવવામાં આવી રહી છે.
લૉકડાઉન વચ્ચે લોકોની આર્થિક સ્થિતિ વધુ કપરી બનતી હોય છે એવા સમયે વિધવા બહેનો માટે પોસ્ટ ઓફિસે શરૂ કરેલી આ પહેલ તેમના માટે એક આશીર્વાદ સમાન બની ગઈ છે.