“ગંગુબાઈ કાઠિયાવાડી”નાં બજેટમાં કોઈ જ કપાત નથી
મુંબઈ: લોકડાઉનને લીધે ઘણા ફિલ્મ મેકર્સે તેમની ફિલ્મના બજેટમાં કપાત કર્યો છે, પરંતુ સંજય લીલા ભણસાલીએ આવું નથી કર્યું. તેઓ હાલ ફિલ્મ સિટીમાં ગંગુબાઈનાં સોંગની સીકવન્સ શૂટ કરી રહ્યા છે. આની પહેલાં તેઓ ફિલ્મમાં ગંગુબાઈના આંદોલનવાળા સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, તેમણે બજેટમાં ફેરફાર કર્યા વગર આખા વર્ષ માટે ફિલ્મ સિટીનું સુનીલ મેદાન રેન્ટ પર લીધું છે.
ફિલ્મમાં આલિયાના ૪ સોંગ હશે તેમાંથી એક સોંગનું શૂટિંગ થઈ ગયું છે. ત્રણનું બાકી છે. એક સોંગ શૂટ કરવામાં ૧૨ દિવસ લાગ્યા હતા. હવે બાકીના સોંગ શૂટ કરવા ૮-૮ દિવસનો સમય નક્કી કર્યો છે. હાલ ગંગુબાઈ અને તેમની ૨૧ લોકોની ગેંગ પરનાં સોંગનું શૂટિંગ ચાલુ છે. બેકગ્રાઉન્ડમાં ટોટલ ૬૦ જુનિયર આર્ટિસ્ટ અને ૨૦૦ લોકોની ભીડ દેખાડવામાં આવશે. આશરે ૩૦૦ લોકોની હાજરીમાં શૂટિંગ ચાલુ છે.
સૂત્રોએ એ પણ જણાવ્યું કે, ૭૫ ટકા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ફિલ્મમાં વિજય રાજ અને સીમા પાહવા લીડ રોલમાં છે. આ બંનેએ તેમના ભાગનું શૂટિંગ કરી લીધું છે. ફેબ્રુઆરીમાં ૧-૨ અઠવાડિયાંમાં અજય દેવગણ પણ શૂટ કરશે. તેઓ ફિલ્મમાં ગેંગસ્ટર કરીમ લાલાના રોલમાં છે. અજય પણ પોતે ફિલ્મ સિટીમાં ‘મેડે’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ તે ગંગુબાઈમાં પોતાનો ભાગ શૂટ કરશે.
ફિલ્મના ડાન્સર્સની ટીમમાંથી એક વ્યક્તિએ થોડી સ્પેસિફિક જાણકારી આપી છે. ફિલ્મના બીજા સોંગનું શૂટિંગ ૧૭ જાન્યુઆરીથી શરુ થયું હતું. ૨૬ જાન્યુઆરીની રજાને લીધે ત્રીજા સોંગનું શૂટિંગ ૨૭ જાન્યુઆરીથી શરુ થયું હતું. આલિયા ભટ્ટની એક્ટિંગથી સંજય લીલા ભણસાલી ઘણા ખુશ છે. ડાન્સ માટે આલિયાએ પોતે મેકર્સને કહ્યું છે કે, ૮-૮ દિવસ સોંગ માટે ફાળવવામાં આવે. શૂટિંગ પહેલાં થોડા દિવસ રિહર્સલ માટે પણ આપવામાં આવે.