Western Times News

Gujarati News

ગટરમાં પડતા બાળકના મોત પર પરિવારને વળતર

પ્રતિકાત્મક

અમદાવાદ, સિવિલ કોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની બેદરકારીની ભરપાઈ તરીકે તે પરિવારને દોઢ લાખ રુપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમણે પોતાના સાત વર્ષના દીકરાને ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એએમસીના કામદારે ગટરનું ઢાંકણું બંધ નહોતુ કર્યું જેના કારણે સાત વર્ષનું બાળક તેમાં પડી ગયુ હતું અને તેનું મૃત્યુ થયુ હતું.

આ ઘટનાના ૧૪ વર્ષ પછી કોર્ટ દ્વારા વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૧૯મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ શહેરના શાહપુર દરવાજા વિસ્તાર નજીક આ ઘટના બની હતી. સવારના સમયે જયેશ દંતાણિયા નામનું બાળક રમવા માટે બહાર નીકળ્યુ હતું. બપોર સુધી તે ઘરે પાછો ના ફર્યો તો પરિવારને ચિંતા થઈ.

જયેશના ઘરની બિલકુલ બાજુમાં ફાયર સ્ટેશન હોવાને કારણે પરિવારે ફાયર બ્રિગેટ ટીમને ફરિયાદ કરી અને જયેશને શોધવા માટે મદદ માંગી. ઘટનાના બીજા દિવસે જયેશનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે તેનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયુ હતું.

ઘટનાના એક વર્ષ પછી જયેશના પરિવારે તંત્ર સામે બેદરકારીનો ગુનો દાખલ કરીને દોઢ લાખ રુપિયા વળતરની માંગ કરી હતી. પરિવારનો દાવો હતો કે પાછલા એક મહિનાથી તે ગટર ખુલ્લી પડી હતી. જ્યારે કોર્ટ દ્વારા તંત્રને પ્રશ્ન કરવામાં આવ્યો તો, એન્જિનિયરે જણાવ્યું કે, જે રસ્તા પર આ ઘટના બની છે ત્યાં હંમેશા એટલો બધો ટ્રાફિક હોય છે કે ગટરનું ઢાંકણું ખુલ્લું રહી જાય તે શક્ય જ નથી. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ચુકાદો આપ્યો કે, ગટર ખુલ્લી હતી તેના પૂરતા પુરાવા ઉપલબ્ધ છે.

ગટર લાઈનનું સંચાલન કરવું અને સુનિશ્ચિત કરવું કે ઢાંકણાં ખુલ્લા નથી રહી ગયા તે છસ્ઝ્રના કર્મચારીઓની ફરજ છે. કોર્ટે જણાવ્યું કે, અહીં સાબિત થાય છે કે કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા યોગ્ય કાળજી રાખવામાં ચૂક થઈ છે અને ગટરનું ઢાંકણું ખુલ્લુ રહી ગયુ હતું. બાળકની ઉંમર ઘણી ઓછી હતી માટે તેના પર બેદરકારી દાખવવાનો આરોપ પણ ના મૂકી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.