ગઠિયાએ યુવતીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પ્રોડક્ટના નામે રૂપિયા સેરવી લીધા
ફ્લિપકાર્ટ-એમેઝોનમાં કમિશનની લાલચ આપી યુવતી સાથે ર.૪૧ લાખની ઠગાઈ
અમદાવાદ, ફ્લિપકાર્ટ તેમજ એમેઝોનમાં બેથી પાંચ ટકાનું કમિશન મેળવવાની લાલચ આપી ગઠિયાએ યુવતી સાથે ર.૪૧ લાખની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ યુવતીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાીને પ્રોડક્ટ વેચવાના બહાને રૂપિયા સેરવી લીધા હતા.
વંદેમાતરમના ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતાં મીરાબહેન સોંદરવાએ સોલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરૂધ્ધ ઠગાઈની ફરિયાઈ નોંધાવી છે. મીરાંબહેન કોલગેટ ટૂથપેસ્ટની કંપનીમાં માર્કેટિંગ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.
બે દિવસ પહેલાં બપોરના અઢી વાગ્યાની આસપાસ મીરાંબહેન તેમનો મોબાઈલ જાેતા હતા. ત્યારે એક અજાણ્યા નંબર પરથી એક ટેક્સ મેસેજ આવ્યો હતો તેમાં લખ્યું હતું કે રોજના એક હજારથી ત્રણ હજાર રૂપિયા કમાવવા એમેઝોન પર પાર્ટ ટાઈમ જાેબ મેળવો. પૈસા કમાવવા માટે એક લિંક આપી હતી. જેથી મીરાંબહેને લિંક ક્લિક કરતા વોટ્સએપ નંબર મળ્યો હતો.
મીરાંબહેને વોટ્સએપ મેસેજ કરીને નોકરી માટે વાતચીત કરી હતી. ત્યાર બાદ મીરાંબહેને જે વ્યક્તિ સાથે વાત કરી તેણે એક એપ્લિકેશન ટાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ ફ્લિપકાર્ટ અને એમેઝોન થકી અલગ અલગ પ્રોડક્ટ વેચવાથી ર થી પ ટકા કમિશન પ્રોડક્ટની કિંમત પર આપવાની વાત કરી હતી.
જેથી મીરાંબહેનને આ વ્યક્તિના વિશ્વાસમાં આવી જતાં એપ્લિકેશકન ડાઉનલોડ કરીને અલગ અલગ પ્રોડક્ટ મુજબ રૂપિયા પેટીએમ કર્યા હતા. મીરાંબહેને ગઠિયાના પેટીએમ મારફતે રૂા. ૧.૪૦ લાખ તેમજ તેમની બહેન અને તેમના ભાઈના મળી કુલ ર.૪૧ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
કમિશનના પૈસા ન મળતાં મીરાંબહેનને તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. જેથી મીરાં બહેને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે મીરાંબહેનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.