ગઠિયાઓએ વૃદ્ધ સાથે ૪૦ હજારની છેતરપિંડી કરી
અમદાવાદ: બેન્કના નામે અનેક લોકોને ફોન આવતા હોય છે. ફોન કરનાર વ્યક્તિ આબેહૂબ રીતે બેન્ક કર્મી જ હોય તેમ વાત કરતા હોય છે. કેટલાય લોકો આ વાત પર ભરોસો મૂકી વિગતો આપી દેતા હોય છે. બાદમાં એકાઉન્ટમાંથી આ ગઠિયાઓ રૂપિયા સેરવી લેતા ઠગાઈ થઈ હોવાનું સામે આવતું હોય છે. ગુલબાઈ ટેકરા ખાતે રહેતા એક વૃદ્ધ આવી જ એક ઠગાઈનો ભોગ બનતા તેઓએ યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં આવેલા ગુલબાઈ ટેકરા ખાતેની શ્રીવિષ્ણુ નિવાસ સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષીય અશોકભાઈ વોરા નિવૃત જીવન ગુજારે છે.
તેઓનું આઇસીઆઇસીઆઇ બેન્કમાં એકાઉન્ટ છે અને તેમને એક એમેઝોન આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ વર્ષ ૨૦૨૦માં ઇશ્યુ થયું હતું. જેનું ડિસેમ્બર માસનું બિલ ૨૪૮૨ રૂપિયા જનરેટ થયું હતું. ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તેઓ ઘરે હાજર હતા ત્યારે બપોરે તેઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે આકાશ વર્મા દિલ્હી ખાતેની બેંકની હેડ ઓફિસમાંથી બોલતો હોવાનું જણાવી વાતચીત શરૂ કરી હતી.
બાદમાં અશોકભાઇના ક્રેડિટ કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી બાકી બિલની રકમનું ઇસીએસ કરવા આ ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું. બાદમાં ડેબિટ કાર્ડનો સીવીવી નંબર માંગી મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી માગવામાં આવ્યા હતા. આ નંબર આપતા જ તાત્કાલિક અશોકભાઇના એકાઉન્ટમાંથી ૪૦,૦૦૦ રૂપિયા ઉપડી ગયા હતા.
આ રૂપિયા ડિડકટ થયા હોવાનો મેસેજ આવતા જ સામેવાળી વ્યક્તિએ તાત્કાલિક ફોન કટ કરી નાંખ્યો હતો. જેથી આ અંગે અશોકભાઈ સાયબર ક્રાઇમ ખાતે ફોન કરીને ફરિયાદ કરી હતી. જેની ટિકિટ જનરેટ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાયબર ક્રાઇમે આવી અનેક ટોળકી પકડી હતી ત્યારે પોલીસ ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરી રહી છે.