Western Times News

Gujarati News

ગઢડા ખાતે જળજીલણી એકાદશી સામૈયાની ઉજવણી

આજનો ઉત્સવ સ્વામિનારાયણ ભગવાન તેમજ દાદા ખાચરની સ્મૃતિઓ થકી નવી ચેતના જગાડનારો બની રહેશે– મુખ્યમંત્રી

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે જળજીલણી મહોત્સવમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને જયાં મહામૂલા વચનામૃત ઉદ્દબોધ્યા છે, એવી ગઢડાની આ પાવન ધરતી પર યોજાયેલ જળજીલણી ઉત્સવ સૌ માટે ઉપકારક બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત પરંપરા આજે પણ ચાલુ છે.  સહજાનંદ સ્વામીએ આત્માને પરમાત્મા સાથે જોડવાનું કાર્ય કર્યું, લોકોને વ્યસનમુક્ત કરી અનેક કુટુંબના કલ્યાણ કર્યા અને આજે પણ આ સંપ્રદાય દ્વારા એ પ્રવૃત્તિને આગળ વધારવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આપદાઓ સમયે હંમેશ લોકોની સેવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-સેવકો સદાય ખડે પગે રહ્યા છે. તેમ જણાવી ઉમેર્યું હતુ કે, આજનો ઉત્સવ એ સ્વામિનારાયણ ભગવાન તેમજ દાદા ખાચરની સ્મૃતિઓ થકી નવી ચેતના જગાડનારો બની રહેશે.

જળજીલણીના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને જળસંચય થકી જળ સમૃદ્ધ બનાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઠાકોરજીની પાલખીનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા હરતું-ફરતું આયુર્વેદિક દવાખાનાનું ઉદ્દઘાટન કર્યું હતું.        કાર્યક્રમના પ્રારંભમાં રાકેશપ્રસાદજી મહારાજે ભારતભરમાં ગુજરાત રાજય દ્વારા કરવામાં આવેલ જળસંચયની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી લોકસુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવા બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્યશ્રી નલિનભાઈ કોટડીયા, અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઈ ગોધાણી, મુકેશભાઈ સવાણી અનેલાલજીભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં સંતો હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.