ગરબાડા તાલુકામાં શૌચાલય માટે રૂ. ૫ કરોડની ફાળવણી કરાઈ
૫૧૨ શૌચાલયના બાંધકામની ચૂકવણીની કામગીરી પૂર્ણ : બાકીના ૧૨૦૦ શૌચાલય નિર્માણનું ચુકવણું આગામી સપ્તાહમાં કરાશે
ગૃહ રાજ્યમંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં શૌચાલયોના નિર્માણની કામગીરી પૂર્ણ કરાય છે. આ શૌચાલયોના નિર્માણ પેટે ચૂકવણુ કરવા રૂ. ૫ કરોડના નાણાની વધુ ફાળવણી કરી દેવાઈ છે.
મંત્રી શ્રી જાડેજાએ કહ્યું કે, “ ગરબાડા તાલુકામાં શૌચાલય નિર્માણના નાણાં નહીં ચૂકવાતા સરપંચોમા રોષ” એવા સમાચારો માધ્યમ દ્વારા જાણવા મળ્યા હતા તે સંદર્ભે મેં અંગત રસ લઈને મુખ્ય મંત્રીશ્રી સાથે પરામર્શ કરીને આ ચુકવણું સત્વરે થાય એ માટે વિનંતી કરવામાં આવી હતી. જેના સંદર્ભે માન. વિજયભાઇ રૂપાણીએ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપતાં એક જ દિવસમાં ૫ કરોડની વધારાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો તથા અન્ય યોજનાઓની ગ્રાન્ટની ફાળવણી સંબંધિત જિલ્લાઓને ઓનલાઇન રીતે ફાળવવામાં આવે છે. આ વર્ષે કોરોનાની કપરી પરિસ્થિતિ ને કારણે તેમજ ટેકનિકલ કારણોસર ગ્રાન્ટની ફાળવણીમાં થોડો સમય ગયો હોય તેવું જણાય છે. આગામી સમયમાં કોઈના પણ નાણામાં વિલંબ ન થાય એ માટે સૂચનાઓ આપી દેવાઈ છે.
તેમણે ઉમેર્યું કે તાજેતરમાં દાહોદ જિલ્લાને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાંથી ૫૧૨ શૌચાલયોની કામગીરીનું ચુકવણું કરી દેવાયું છે અને ૧૨૨૦ જેટલા શૌચાલય કામગીરીનું ચુકવણું આગામી સપ્તાહમાં કરી દેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.