Western Times News

Gujarati News

ગરબા મહોત્સવને મંજુરી આપી તો કોરોનાનો વિસ્ફોટ થશે

Files Photo

મેડીકલ એસોસીએશને ગરબાને મંજુરી નહીં આપવા સરકારને સ્પષ્ટ જણાવ્યું : પોળો અને સોસાયટીઓમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે ગરબા મહોત્સવની શરૂ થયેલી તૈયારીઓ

કોઈ પણ વસ્તુમાં અતિરેક કરવાથી હંમેશા નુકશાન થતું હોય છે આ વાત સામાન્ય છે પરંતુ સામાન્ય નાગરિક તેની સતત અવગણના કરતા પરિણામ ભોગવવાનો વારો આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ આવું જ વાતાવરણ જાેવા મળી રહયું છે. વિશ્વભરમાં કોરોનાની મહામારીમાં લાખો લોકો સપડાયેલા છે. હાલમાં દુનિયામાં ૩ કરોડથી વધુ નાગરિકો કોરોનામાં સપડાયેલા છે. જયારે ભારતમાં આ આંકડો પર લાખને પાર કરી ગયો છે.

કોરોનાની રસી હજુ સુધી શોધાઈ નથી આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યાં બાદ અનલોકની જાહેરાત કરી છે અને તેમાં વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવતા સામાન્ય નાગરિકો સરકારી ગાઈડ લાઈનનો અમલ કરતા નથી અને આજે દેશમાં રોજ ૯૦ હજારથી વધુ કેસો નોંધાઈ રહયા છે. અનલોકમાં અપાયેલી છુટછાટમાં નાગરિકો સાવ બેફીકર બની ગયા છે. કોરોનાની રસી આવતા હજુ ઘણો સમય લાગવાનો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થઈ રહયો છે. આ પરિસ્થિતિમાં વિશ્વમાં સૌથી લાંબા તહેવાર તરીકે ઓળખાતા નવરાત્રિ મહોત્સવ તહેવાર નજીકમાં જ છે ત્યારે ગરબા મહોત્સવોને મંજુરી આપવી કે નહીં તે અંગે રાજય સરકાર અવઢવમાં છે

પરંતુ મેડીકલ એસોસીએશને સ્પષ્ટપણે ચેતવણી આપી દીધી છે કે નવરાત્રિ મહોત્સવ યોજવાની મંજુરી આપવામાં આવશે તો ગુજરાતમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાશે. આ પરિસ્થિતિ માટે કોને જવાબદાર ગણવા તે હવે સરકારના નિર્ણય પણ આધાર રાખે છે. એક બાજુ ગરબા નહી યોજવા માટે એક પછી એક શહેરોના ગરબા આયોજકો પોતાના નિર્ણયો જાહેર કરે છે ત્યારે બીજીબાજુ ગરબા મહોત્સવમાં રોજીરોટી કમાતા કલાકારો ગરબા મહોત્સવને મંજુરી મળે તે માટે માંગણી કરી રહયા છે. ત્યારે હવે સૌ કોઈની નજર રાજય સરકારના નિર્ણય પર મંડાયેલી છે. પરંતુ હવે આ પરિસ્થિતિમાં નવરાત્રિ અગાઉની પ્રણાલી મુજબ પોળો અને સોસાયટીઓમાં ઉજવવા માટે નાગરિકોએ સ્વયંભૂ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

https://westerntimesnews.in/news/71242

દેશભરમાં કોરોના કાળ રોજ નાગરિકોને ભરખી રહયો છે. અનલોકમાં અપાયેલી છુટછાટના કારણે નાગરિકો સાવ બેફીકર બની ગયા છે. સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું ભારત દેશમાં શક્ય નથી ત્યારે બીજીબાજુ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે. કોરોના વાયરસ ફેલાયા બાદ દેશભરમાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે જેના પરિણામે તમામ સંપ્રદાયના સંતો અને મહંતોએ પણ સરકારની આ ગાઈડ લાઈનને અનુસરીને તહેવારોની ઉજવણી ખૂબ જ સંયમ પૂર્વક કરી છે તેનું પરિણામે એ આવ્યું છે કે આજે દેશમાં કોરોનાની મહામારી વધુ ફેલાતા અટકી છે. પરંતુ નાગરિકો જાતે જ સરકારની ગાઈડ લાઈનનું પાલન નહીં કરતા છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે.

https://westerntimesnews.in/news/74068

સમગ્ર વિશ્વ કોરોનાની રસી બનાવવા માટે એડીચોટીનું જાેર લગાવી રહયા છે પરંતુ તમામ દેશોમાં તૈયાર થઈ રહેલી રસી હજુ ટ્રાયલ બેઝ પર છે એક પણ દેશની રસી હજુ સુધી પૂર્ણ રૂપે બજારમાં આવી નથી તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. વિશ્વના વિકસિત દેશોમાં ઓછી વસ્તી હોવાના કારણે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન અસરકારક રીતે થઈ રહયું છે પરંતુ ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં આ વસ્તુ શક્ય નથી અને તેથી જ દેશમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે. અર્થતંત્રને મજબુત કરવાની મજબુરીમાં સરકારે અનલોકની જાહેરાત કરી છે અને તેમાં ગુજરાત સરકારે વ્યાપક પ્રમાણમાં છુટછાટ આપી દીધી છે.

જીવન જરૂરી ચીજવસ્તુઓ નાગરિકોને મળી રહે તે આવશ્યક છે પરંતુ ગુજરાતમાં મોટાભાગના તમામ ધંધા રોજગારોને શરૂ કરવાની છુટ આપી દેવામાં આવી છે જે ખુબ જ ઘાતક પુરવાર થઈ રહી છે અને આ અંગે ઉહાપોહ મચતા સરકાર સફાળી જાગી છે. અમદાવાદ શહેરમાં લારી-ગલ્લાઓ બંધ કરાવવા માટે પોલીસતંત્ર મેદાનમાં આવ્યું છે પરંતુ એક વસ્તુ નકકી છે કે હવે ખૂબ જ મોડુ થઈ ગયું છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પાનના ગલ્લા અને ચા ની કીટલીઓ શરૂ કરવાની મંજુરી અપાતા જ ઠેરઠેર સોશ્યલ ડીસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થતો જાેવા મળી રહયો છે.

સુરતમાં વકરેલી સ્થિતિ માટે આ જ કારણ જવાબદાર છે તેમ છતાં હજુ પણ ગલ્લાઓ ધમધમી રહયા છે. કેટલાક વિસ્તારોમાં ચા ની કીટલીઓ બંધ કરાવવામાં આવી છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં કોરોના પહેલાની સ્થિતિ અને વાતાવરણ જાેવા મળી રહયું છે આ દ્રશ્યો જાેઈ પ્રબુધ્ધ નાગરિક ચોંકી ઉઠે છે.

ગુજરાતમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગયેલી છે અત્યાર સુધીમાં એક પણ તહેવારની ઉજવણીને મંજુરી આપવામાં આવી નથી પરંતુ તમામ વય ના લોકોમાં ખૂબ જ લોકપ્રિય એવા નવરાત્રિનો તહેવાર ખૂબ જ નજીક આવી ગયો છે નવરાત્રિ મહોત્સવને મંજુરી આપવી કે નહી તે અંગે રાજય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. એક બાજુ રાજયમાં રોજ છેલ્લા કેટલાક દિવસોથી એક હજારથી વધુ કેસો નોંધાઈ રહયા છે. અમદાવાદ શહેરમાં તમામ હોસ્પિટલો પર હાઉસ ફુલના પાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય વર્ગના માણસને કોરોના થાય તો તેની સારવાર ક્યા થાય તેની ચિંતામાં જ સમગ્ર પરિવાર ભાંગી પડે તેવી સ્થિતિ છે

ખાનગી હોસ્પિટલોમાં મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર લેવી પોષાય તેમ નથી. આ પરિસ્થિતિમાં કોરોનાના કેસો વધવાના કારણે કેટલાક દર્દીઓના પરિવારજનોને દેવુ કરીને પણ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની મજબુરી જાેવા મળી રહી છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં રોજે રોજ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. સરકાર ઉપર સાચા આંકડા જાહેર નહી કરવાનો આક્ષેપ પણ હવે થવા લાગ્યો છે. આ તમામ બાબતો જાેતા ગુજરાતમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે.

સામાન્ય વર્ગના લોકોને કોરોનાની સારવાર લેવી પણ ખૂબ જ કપરી સાબિત થઈ રહી છે. ગુજરાતમાં આ તમામ કારણો પર હાલ મંથન ચાલી રહયું છે. ગુજરાતમાં હાલમાં ૧૬ હજારથી વધુ દર્દીઓ સારવાર લઈ રહયા છે જેમાંથી ૯૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. કેન્દ્ર સરકારના આદેશથી ટેસ્ટીગની સંખ્યા વધારવામાં આવી છે. જેના પરિણામે આગામી દિવસોમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થવાનો છે.

ગુજરાતમાં કોરોનાની મહામારીએ સરકારની ચિંતા વધારી દીધી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧.૧૯ લાખ પોઝીટીવ કેસ નોંધાયા છે અને હજુ પણ તેમાં સતત વધારો થઈ રહયો છે જેના પગલે હવે નવરાત્રી મહોત્સવને મંજુરી આપવી કે નહી તે અંગે રાજય સરકારે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન માંગ્યુ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ મોડી રાત સુધી ઠેરઠેર ગરબા યોજાતા હોય છે પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર ગરબા મહોત્સવને મંજુરી આપે તેવી કોઈ સ્થિતિ જાેવા મળતી નથી. જયારે ગુજરાત સરકાર વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપી રહી છે.

નવરાત્રી મહોત્સવ નહી યોજવા માટે મેડીકલ એસોસીએશને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ છે. પાર્ટી પ્લોટોમાં યોજાતા ગરબામાં સરકારી ગાઈડ લાઈનનો યુવા વર્ગમાં ભંગ થતો જાેવા મળશે તે એક નરી વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિમાં રાજય સરકાર નવરાત્રિ મહોત્સવ ઉજવણી માટે મંજુરી આપે તેવી કોઈ શક્યતા જાેવા મળતી નથી પરંતુ નવરાત્રિના પવિત્ર તહેવારોની ઉજવણી અગાઉની પ્રણાલી મુજબ શેરીઓ અને પોળોમાં અને સોસાયટીઓમાં થશે તે બાબત નકકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.