ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી
અમદાવાદ, ગુજરાતમાં ગરમીનો પારો 43-44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. એપ્રિલના મધ્યમાં જ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. જોકે હીટવેવની આગાહી સાથે આગામી અમુક દિવસમાં રાજ્યમાં પારો ગગડી શકે છે પરંતુ આ સંકેત જગતના તાત માટે સારા નથી.
હવામાન વિભાગની આશંકા અનુસાર ગુજરાતમાં માવઠાની આશંકા વ્યકત કરવામાં આવી છે. રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે 35થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે આણંદ, વડોદરા, દાહોદની આસપાસના વિસ્તારોમાં માવઠાની આશંકા છે. આ સાથે આગામી 24 કલાકમાં કંડલામાં હીટવેવની આશંકા પણ વ્યકત કરવામાં આવી છે.
એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે પરંતુ જગતના તાત ખેડૂતોએ જ્યાં ઉનાળું પાક માટે રોપણી કરી ચૂક્યાં છે અને યોગ્ય સમયે પુરતું પિયત નથી રહ્યું ત્યારે આ માવઠું પડ્યા પર પાટું બની રહેશે.