ગરમીને કારણે આકાશમાંથી ઉડતાં પક્ષીઓ નીચે પડી રહ્યા છે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આવી આકરી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો ૪૫ને પાર પહોંચ્યો છે. ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પણ ટપોટપ જમીન પર પડી રહ્યા છે.
ડિહાઈડ્રેશનના કારણે આ પક્ષીઓ આકાશમાંથી જમીન પર પડી રહ્યા છે. માણસો તો એસી કે પંખામાં રહીને ગરમી સહન કરી શકે છે, પણ આ અબોલ પક્ષીઓનું શું? મૂંગા પક્ષીઓને અમદાવાદની આ આકરી ગરમી સહન થઈ રહી નથી. જેના કારણે તેઓ આકાશમાં ઉડતા ઉડતા જ જમીન પર પડી રહ્યા છે. ત્યારે આવા કેટલાંક કિસ્સામાં પક્ષીઓનાં મોત પણ થતા હોય છે. ત્યારે કેટલાંક અમદાવાદીઓ આવા પક્ષીઓને બચાવવાનો અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
રેસ્ક્યૂ સેન્ટરમાં પક્ષીઓને સારવાર આપી રહેલાં તબીબોએ જણાવ્યું કે, હાલ આકરી ગરમી પડી રહી છે. માણસોને જ ગરમી સહન થઈ રહી નથી ત્યારે અબોલ પક્ષીઓનું તો કહેવું જ શું. અમદાવાદમાં રોજે રોજ ૧૫૦થી ૧૬૦ પક્ષીઓ ડિહાઈડ્રેશનનો ભોગ બની રહ્યા છે. જેઓને રેસ્ક્યૂ સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. અહીં આવા પશુ-પક્ષીઓને તમામ પ્રકારની સારવાર અને સુવિધા આપવામાં આવે છે. જેઓની સારવાર માટે તબીબો પણ ખડેપગે રહેતા હોય છે.
ડિહાઈડ્રેશનનો ભોગ બનનારા પક્ષીઓમાં ખાસ કરીને પોપટ, કાગડા, કબૂતર, મેના, સમડી વગેરેનો સમાવેશ થાય છે. પક્ષીઓના બચ્ચા ખાસ કરીને ડિહાઈડ્રેશનનો ભોગ વધુ બનતા હોય છે. કારણ કે તેઓ નવું નવું ઉડતા શીખે એટલે ખોરાક પાણીની શોધમાં નીકળતા હોય છે.
જેના કારણે આકરી ગરમીનો શિકાર તેઓ બનતા હોય છે. જાે લોકો પોતાની અગાશી, ધાબા પર પાણાના કૂંડા મૂકે તો પક્ષીઓને પીવા માટે પૂરતુ પાણી મળી રહે અને તેઓને ડિહાઈડ્રેશનનો શિકાર બનતા અટકાવી શકાય.